સમગ્ર મહારાષ્ટ્ર રાજયમાં ફિલ્મ થિયેટરોમાં તેમજ મલ્ટીપ્લેકસીસમાં લોકોને બહારથી એમના પર્સનલ ખાદ્યપદાર્થો લાવવાની મનાઈ છે. આની સામે મુંબઈ હાઈકોર્ટમાં એક જનહિતની અરજી નોંધવામાં આવી છે. તેની પર હાઈકોર્ટે આજે સુનાવણી કરી હતી અને મહારાષ્ટ્ર સરકારને જવાબ આપવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે સરકારને કહ્યું છે કે લોકો પર મૂકવામાં આવેલા આ પ્રતિબંધ પાછળનો તર્ક સમજાવતો જવાબ ત્રણ અઠવાડિયામાં આપો. આ જનહિતની અરજી મુંબઈના રહેવાસી જૈનેન્દ્ર બક્ષીએ નોંધાવી છે. એમણે એવો દાવો કર્યો છે કે ફિલ્મ થિયેટરોમાં લોકોને એમનાં અંગત ખાઘપદાર્થો લાવતા રોકે એવો કોઈ કાયદો નથી. આ પ્રકારના પ્રતિબંધને કારણે વયસ્ક લોકોને તકલીફ પડે છે જેઓ થિયેટરોમાં વેચાતું જંક ફૂડ આરોગ્યનાં કારણોસર ખાઈ શકતાં નથી. રાજય સરકાર મૂવી થિયેટરોને જે લાઈસન્સ ઈસ્યૂ કરે એમાં લોકોને અંગત ખાઘપદાર્થો લાવતા ન રોકવાનો થિયેટરમાલિકોને આદેશ આપતી કલમ હોવી જ જોઈએ. બક્ષીના વકીલે એવો નિર્દેશ પણ કર્યો છે કે મહારાષ્ટ્ર સિનેમાઝ (રેગ્યૂલેશન) નિયમો તો થિયેટરોની અંદર ખાદ્યપદાર્થો વેચવાની પરવાનગી આપતા નથી. તેથી હાલ થિયેટરો લોકોને એમનાં અંગત ખાદ્યપદાર્થો લાવવા દેતા નથી તે નિયમોનો સંપૂર્ણપણે ભંગસમાન છે. થિયેટરોમાં ખાદ્યપદાર્થો તથા ઠંડા પીણાઓ વેચતા અનેક સ્ટોલ્સ હોય છે. વળી, નવા થિયેટરોમાં તો દર્શકોની સીટ ઉપર જ એવા બટન્સ મૂકેલા હોય છે જેથી દર્શકો એ બટન દબાવીને કોઈ વેઈટરને બોલાવી શકે અને પોતાને જે ખાદ્યપદાર્થ કે પીણા જોઈતા હોય એનો ઓર્ડર આપી શકે અને દર્શકોને એ ચીજવસ્તુઓ એમની સીટ ઉપર જ પહોંચતી કરવામાં આવે છે. હાઈકોર્ટે એ જાણવા માગ્યું છે કે થિયેટરોના પ્રવેશદ્વાર પર સુરક્ષા ચોકિયાતો ગ્રાહકોની તલાશી લઈને એમની પાસેથી એમનાં ખાદ્યપદાર્થો શા માટે લઈ લે છે અને એમને થિયેટરોમાંથી જ ખાદ્યપદાર્થો ખરીદવાની ફરજ પાડે છે. સુરક્ષા ચોકિયાતોનું પ્રાથમિક કામ માત્ર એ જોવાનું હોય છે કે ગ્રાહકો પાસે કોઈ ગેરકાયદેસર કે જોખમી ચીજવસ્તુઓ તો નથી ને.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.