કોંગ્રેસમાં જોડાવાની અટકળો વચ્ચે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા. ત્રણ દિવસમાં પીકેની કોંગ્રેસની ટોચની નેતાગીરી સાથે આ બીજી બેઠક છે. મળતી માહિતી મુજબ સોમવારે પ્રશાંત કિશોરની સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, અંબિકા સોની, પી ચિદમ્બરમ, જયરામ રમેશ, કેસી વેણુગોપાલ અને રણદીપ સિંહ સુરજેવાલા સાથે 10 જનપથ પર લગભગ પાંચ કલાક સુધી મુલાકાત થઈ હતી. કોંગ્રેસ નેતૃત્વ સાથે પ્રશાંત કિશોરીની સતત મીટિંગને કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પીકે કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે કોંગ્રેસ પણ ઇચ્છે છે કે પ્રશાંત કિશોર 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં જોડાય. મળતી માહિતી મુજબ, પ્રશાંત કિશોરે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડને વિગતવાર રજૂઆત પણ કરી છે. એવી ચર્ચા છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ પીકેને કન્સલ્ટન્ટ તરીકે ઉમેરવા માગતું નથી.તેના બદલે પાર્ટી ઈચ્છે છે કે પીકે પાર્ટીમાં જોડાય અને નેતાની જેમ કામ કરે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 2024ના સંદર્ભમાં, પીકેએ પાર્ટીને સંગઠન સ્તરે કયા ફેરફારો કરવા જોઈએ તે અંગે વિગતવાર અહેવાલ આપ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પીકેએ કોંગ્રેસ પાર્ટીને માત્ર 370 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવા અને બાકીના ગઠબંધન ભાગીદારો માટે છોડી દેવાની સલાહ આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રશાંત કિશોરે કોંગ્રેસને બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં એકલા હાથે ચૂંટણી લડવાની સલાહ આપી છે પરંતુ તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ગઠબંધન કરવાની સલાહ આપી છે.