ગુજરાત સરકાર દ્વારા રાજ્યની જુદી-જુદી નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓ માટે વિકાસ કાર્યો અર્થે નોંધપાત્ર રકમની ફાળવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત રાજ્યની જુદીજુદી પાાલિકાઓ માટે કુલ રૂપિયા 1,184 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ માટે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ચેક વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને પ્રથમ હપ્તા પેટેના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વિકાસ કાર્યોમાં સહભાગી થવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા સહિત કુલ ચાર નગરપાલિકાઓને પણ નોંધપાત્ર રકમની ફાળવણી કરવામાં આવી છે. ખંભાળિયા શહેરના વિકાસ કાર્યો માટે સરકાર દ્વારા રૂપિયા 1.12 કરોડ ઉપરાંત સલાયા, ભાણવડ અને જામ રાવલ નગરપાલિકાને પણ રૂપિયા 50-50 લાખની ફાળવણી કરવામાં આવી છે.
આ અંગેનો એક વર્ચ્યુઅલ કાર્યક્રમ ખંભાળિયામાં પણ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના ઉપ પ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેનની હીનાબેન આચાર્ય, પાલિકાના ઇજનેર નંદાણીયા વિગેરે સાથે અન્ય પાલિકાના સત્તવાહકો પણ ઓનલાઇન જોડાયા હતા.
આ પણ વાચો..
ખંભાળિયામાં આવતીકાલે ત્રણ કલાકનો વીજકાપ..
ખંભાળિયા શહેર નજીકના 11 કે.વી. ગજાનન એચ.ટી. તથા 11 કે.વી. અશોક અર્બન ફીડર વિસ્તાર હેઠળ આવતા દાલમિયા એચ.ટી. જોડાણ, સંજયનગર, માર્કેટિંગ યાર્ડ, જે.કે.વી. નગર, અશોક ઉદ્યોગ નગર, વિગેરે વિસ્તારોમાં આવતીકાલે શુક્રવારે સવારે 8 થી 11 વાગ્યા સુધી હાઈ-વે રોડની કામગીરીમાં નડતરરૂપ વીજ લાઈનની જગ્યાફેર કરવાની કામગીરી થવાની હોવાથી ઉપરોક્ત વિસ્તારોનો વીજ પુરવઠો બંધ રહેવાનું પીજીવીસીએલ સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.