જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનો સતાધાર ડેમ વિસ્તાર છેલ્લા કેટલાક દિવસોથી સિંહોના પડાવના કારણે ગ્રામજનોની અવરજવરનું કેન્દ્ર બન્યો છે. સિંહોને જોવા માટે ગ્રામજનો આ વિસ્તારમાં પહોંચવા લાગ્યા છે. સાથે જ પ્રવાસીઓ પણ આ વિસ્તારમાં સિંહોના એક જ સ્થળે લાંબા રોકાણનો લાભ લઈ તેમને જોઈ શકશે. બીજી તરફ સિંહો આ રીતે જંગલ વિસ્તારમાંથી બહાર આવીને વસ્તીવાળા વિસ્તારમાં થંભી જવાના કારણથી વનવિભાગની ચિંતામાં વધારો થયો છે.
ગ્રામજનો સિંહ દર્શનનો આનંદ માણી રહ્યા છે..
આ વિસ્તારમાં સિંહોની હાજરીની માહિતી મળતા વન વિભાગ સતર્ક બની ગયું છે. વિભાગ દ્વારા પ્રવાસીઓ અને ગ્રામજનોને સિંહો સાથે છેડછાડ કરવાની મનાઈ ફરમાવતા કડક ચેતવણી આપવામાં આવી છે. અંબાજલ ડેમ સાઈટ, નવાથા પીર, રેલ્વે ફાટક વિસ્તારમાં સિંહો સરળતાથી જોઈ શકાય છે. બીજી તરફ ગ્રામજનોનું કહેવું છે કે હાલમાં વિભાગના કર્મચારીઓ દ્વારા સિંહોને જંગલ તરફ લઈ જવા માટે કોઈ પ્રયાસો કરવામાં આવ્યા નથી.
અમરેલી જિલ્લાના પીપાવાવ બંદર પાસે ગુરુવારે સવારે ચાર સિંહો હાઇવે પર ચાલતા જોવા મળ્યા હતા . સિંહોની આ હિલચાલનો નયનરમ્ય નજારો અહીંથી પસાર થતા વાહન ચાલકોએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો. બીજી તરફ સિંહો હાઇવે નજીક આવી જતાં અકસ્માતનો ભય પણ ઉભો થયો છે. પીપાવાવમાં વર્ષોથી સિંહોની હાજરી છે, પરંતુ બંદરના જેટી રોડ પર સિંહોની મુક્ત અવરજવર વન વિભાગ માટે ચિંતાનું કારણ બની છે.