સુરતમાં મંગળવારે વહેલી સવારે રેલવે સ્ટેશન વિસ્તારમાં બસને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ, શહેરના રેલ્વે સ્ટેશનના દિલ્હી ગેટ વિસ્તારમાં એક બ્લુ લાઇન સિટી બસ નજીકની દુકાનમાં ઘુસી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિટી બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને ડ્રાઈવરે બસને નજીકની દુકાન તરફ વાળી હતી. આ અકસ્માતમાં દુકાનની બહાર પાર્ક કરેલી એક કાર અને કેટલાક ટુ-વ્હીલર અથડાયા હતા.
બસની ટક્કરથી આ વાહનો ઉપરાંત દુકાનના બહારના પરિસરમાં પણ ઘણું નુકસાન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે બસમાં લગભગ 3 મહિલાઓ હતી. તેને સામાન્ય ઈજાઓ થઈ છે.
ઘટના બાદ તરત જ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઘાયલોને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

વહેલી સવારે રોડ પર ટ્રાફિક નહિવત હોવાથી આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે અકસ્માત થતાં જ નજીકમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. ભીડ એકઠી થવાના કારણે થોડીવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. દુકાનમાં લાગેલા સીસીટીવીને કારણે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને ઘટના કેવી રીતે બની, બસની સ્પીડ કેટલી હતી વગેરે પાસાઓ પર તપાસ શરૂ કરી છે.