સુરત મહાનગર પાલિકાના એક સફાઈ કર્મચારીના દર્દનાક મોતના સમાચાર સામે આવ્યા છે. કર્મચારીના મોતનું કારણ જેસીબી મશીનનું ટાયર ફાટવું હતું. સફાઈ કામદાર પાસે સફાઈ કામના બદલામાં વાહનોના ટાયર પંકચર અને રીપેરીંગની કામગીરી કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ મૃતકના પરિજનોએ કર્યો છે.
આ ઘટના સંદર્ભે પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ખાજોદ ડિસ્પોઝલ સાઈટ પર બુધવારે સવારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા સફાઈ કર્મચારીના લગ્ન 3 મહિના પહેલા જ થયા હતા. જેસીબીનું ટાયર ફાટવાને કારણે શૈલેષ સોનવડિયા નામના આ યુવકનું મોત થયું હતું. આટલો જોરદાર વિસ્ફોટ ટાયર ફાટવાથી થયો હોવાનું કહેવાય છે કે શૈલેષના ચહેરા પર ગંભીર ઈજા થઈ હતી. ઘટના બાદ શૈલેષને ઈજાગ્રસ્ત હાલતમાં એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની મહત્વની બાબત એ છે કે મૃતકના પરિજનોનો આરોપ છે કે, શૈલેષ સફાઈ કર્મચારી હોવા છતાં તેને પંચર અને વાહનોના રિપેરિંગનું કામ કરાવવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2017માં શૈલેષ સોનવડિયાની પાલિકામાં થાઈ સફાઈ કામદાર તરીકે નિમણૂક થઈ હતી. તેઓ ખાજોદ સ્થિત વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ પર ફરજ પર હતા. આ અકસ્માતમાં શૈલેષનું આકસ્મિક મોત નિપજતાં પરિવારજનોમાં શોકનો માહોલ છે. શૈલેષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે જ્યાં પરિવારના સભ્યો એકઠા થઈ ગયા છે અને શોક પણ વ્યાપી ગયો છે. પરિવારની માંગ છે કે આ સમગ્ર મામલે તપાસ થવી જોઈએ અને પીડિત પરિવારને ન્યાય આપવામાં આવે.