ગાયકવાડ શાસનમાં અહીં તળાવ બનાવવામાં આવ્યું હતું, હવે લાલદરવાજાથી સીધી બસ..
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ના અમદાવાદથી મહેસાણાના કડી તાલુકાના થોલ ગામ સુધીના નવા રૂટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે થોળ ગામમાં તેનો પ્રારંભ કરાવતાં ગામના ઐતિહાસિક તળાવના વિકાસની વાત કરી હતી. ગામની ડ્રેનેજ વ્યવસ્થાને આધુનિક બનાવવાની સાથે આરસીસી રોડ બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે થોલમાં એક પક્ષી અભયારણ્ય છે, જ્યાં હજારો પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર દરેક યોજનાનો લાભ આપવા કટિબદ્ધ છે. સરકાર હંમેશા જનહિતના કામોને પ્રાધાન્ય આપે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જીન છે. રાજ્યમાં સામાન્ય માણસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિકાસના કામો કરવામાં આવે છે. થોલ ગામથી બસ સેવાની શરૂઆત તેનું ઉદાહરણ છે.
આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે થોળ ગામમાં ગાયકવાડના શાસનમાં સિંચાઈ માટે તળાવ બનાવવામાં આવ્યું હતું . આ તળાવ પક્ષી પ્રેમીઓ માટે પ્રવાસન સ્થળ બની ગયું છે. ગામના વિકાસમાં સરદાર પટેલનું પણ યોગદાન છે. બસ સેવા થોલ સહિતના આજુબાજુના ગામોના લોકોને અમદાવાદ પહોંચવામાં સુવિધા આપશે. વિકાસને કારણે થોલ ગામ અને અમદાવાદ વચ્ચેનું અંતર પણ ઘટશે. થો હવે મિની અમદાવાદ તરીકે વિકસિત થશે.
અમદાવાદના થોલ ગામથી લાલ દરવાજા સુધી પાંચ AMTS બસ સેવા કાર્યરત કરવામાં આવી છે. લગભગ 30 કિલોમીટરનું અંતર 35 થી 40 મિનિટમાં કાપવામાં આવશે. બસ સેવાના ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય કરશન સોલંકી, અમદાવાદના મેયર કિરીટ પરમાર, એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલ, ડેપ્યુટી મેયર ગીતા પટેલ, પ્રહલાદ પરમાર, મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરા, મહેસાણા કલેક્ટર ઉદિત અગ્રવાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.