એશિયા કપ 2025ના મેચોના સમયમાં મોટો ફેરફાર, હવે રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે મેચો
એશિયા કપ 2025ને લઈને ક્રિકેટ ચાહકો માટે એક મોટી ખબર આવી છે. ટૂર્નામેન્ટના મેચોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યુએઈમાં તાપમાનને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે જેથી ખેલાડીઓને દિવસની આકરી ગરમીથી બચાવી શકાય.
મેચોનો નવો સમય
ટૂર્નામેન્ટની કુલ 19માંથી 18 મેચ, જેમાં ફાઇનલ પણ સામેલ છે, હવે સાંજે 6:30 વાગ્યે (ગલ્ફ સ્ટાન્ડર્ડ ટાઈમ) એટલે કે ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. આ ફેરફાર પહેલાથી નક્કી કરાયેલા સમય કરતાં લગભગ અડધો કલાક મોડો થશે.
ખરેખર, સપ્ટેમ્બર મહિનામાં ખાડી દેશોમાં તાપમાન દિવસના સમયે 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે અને મોડી સાંજ સુધી પણ આટલી ગરમી રહે છે. ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ક્રિકેટ બોર્ડ્સએ મેચોના સમયને આગળ વધારવાની વિનંતી કરી હતી. જેને બ્રોડકાસ્ટર્સે સ્વીકાર કરી લીધો.
આ ફેરફારની અસર તમામ ડે-નાઈટ મેચો પર પડશે, જ્યારે ટૂર્નામેન્ટની એકમાત્ર ડે મેચ તેના જૂના શેડ્યૂલ મુજબ રમાશે. આ મેચ 15 સપ્ટેમ્બરે અબુ ધાબીના શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમમાં યુએઈ અને ઓમાન વચ્ચે થશે.
8 ટીમોની રોમાંચક જંગ
એશિયા કપનો પ્રારંભ 9 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં થશે, જ્યાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ આમને-સામને હશે. આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ખિતાબ માટે મેદાનમાં ઉતરશે. ચાહકોને હવે રાત્રે 8 વાગ્યાથી મેચોનો આનંદ મળશે અને ખેલાડીઓને પણ આકરી ગરમીથી રાહત મળશે.
ગ્રુપ-સ્ટેજ અને સુપર-4
- ગ્રુપ-એ: ભારત, પાકિસ્તાન, ઓમાન, યુએઈ
- ગ્રુપ-બી: શ્રીલંકા, બાંગ્લાદેશ, હોંગકોંગ, અફઘાનિસ્તાન
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ-એની મેચ 14 સપ્ટેમ્બર એટલે કે રવિવારે રમાશે. આ પછી બંને ટીમો સુપર-4માં પણ ટકરાઈ શકે છે.
ફાઇનલ મુકાબલો
એશિયા કપ 2025નો ફાઇનલ 28 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં હશે, જેનાથી ચાહકોને ઝડપી અને રોમાંચક ક્રિકેટનો અનુભવ મળશે.
આ ફેરફાર બાદ ખેલાડીઓને ગરમીથી રાહત મળશે અને ચાહકોને પણ મેચોનો આનંદ લેવામાં સરળતા થશે.