ભાજપ પ્રમુખ પાટીલ 12 ટકા વોટ ચોરી કરી જીતે છે
ગુજરાતમાં 62 લાખ મતદાનો નકલી હોવાની શંકા
અમદાવાદ, 31 ઓગસ્ટ 2025
ગુજરાતમાં વોટ ચોરી અંગે મોટો પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિ એક વોટનો અધિકાર છે પરંતુ ગુજરાતમાં ‘એક વ્યક્તિ અનેક વોટ’ આપવાનું રાજકીય ષડયંત્ર કરીને ભાજપ વોટ ચોરી કરી રહ્યો છે. અમે માત્ર એક વિધાનસભા બેઠક પર ચકાસણી કરીને તેને ખુલ્લી પાડી છે. કોંગ્રેસે ગુજરાતની મતદાર યાદીમાં અનેક ધાંધલી બહાર પાડી છે.
ચોર્યાસી મત ક્ષેત્ર પ્રમાણે પુરા ગુજરાતમાં આશરે 62 લાખ કરતા વધુ મતદારો નકલી, ખોટા, શંકાસ્પદ મતદાર નીકળી શકે છે.
મોદી સરકારના પાણી પ્રધાન અને ગુજરાત ભાજપના પ્રમુખના નવસારી લોકસભાની ચોર્યાસી વિધાનસભામાં કુલ મતદાર 6 લાખ 9 હજાર 592 છે. જે પૈકી 40 ટકા એટલે કે 2 લાખ 40 હજાર મતદારોની ચકાસણી કરવામાં આવી તેમાં 30 હજાર મતદારો નકલી, ખોટા, શંકાસ્પદ જોવા મળ્યા છે. જે 12.3 ટકા જેટલા થાય છે.
આ વોટ ચોરી પાટીલના મતવિસ્તારમાં થઇ રહી છે. સી આર પાટીલ આ બાબત જાણતા ન હોય એવું બની ન શકે. નવસારીના ભાજપ નેતાની જીત પાછળ વોટચોરી છે.
ગુજરાતમાં જુદી જુદી પાંચ રીતે વોટ ચોરી જોવા મળે છે. કર્ણાટકની એક વિધાનસભાની જેમ ગુજરાતની એક વિધાનસભાની વિગતો પુરાવા, આંકડા અને આધાર સાથે રજુ કર્યા છે.
આ ઘટના પછી આખા ગુજરાતમાં મત ચોરીની શંકા છે. સાચા કરતા ખોટા મતદારો વધી ગયા હોય એવું લાગી રહ્યું છે. તેની ચિંતા ગુજરાતમાં છે.
ગુજરાત રાજ્યમાં પાંચ રીતે મતદાર યાદીમાં છેડછાડ થાય છે.
1 – સંપૂર્ણ ખોટો મતદાર,
2 – જોડણીમાં છેડછાડ,
3 – એક વ્યક્તિના ત્રણ-ચાર ચૂંટણી ઓળખકાર્ડ,
4 – સરનામામાં ફેરફાર,
5 – મતદાર યાદીમાં ભાષા બદલીને છેડછાડ કરી છે.
બીજી રીત સ્પેલિંગ- અક્ષરમાં ફેરબદલીમાં નામમાં નજીવો ફેરફાર જેમ કે ભાઈ, કુમાર કરી એક જ વ્યક્તિના બે અલગ અલગ વોટર આઈડી જોવા મળ્યા.
ત્રીજી રીત જેમાં એક વ્યક્તિનાં ત્રણ-ચાર વોટર કાર્ડ જોવા મળ્યા.
ચોથી રીત જેમાં ગુજરાતી અને અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓમાં વોટર કાર્ડ જોવા મળ્યા.
પાંચમી રીતે જેમાં સરનામાંમાં નજીવો ફેરફાર કરી નવા મતદાર બનાવામાં આવી રહ્યો છે.
ઘરના સરનામામાં એક આઈડીમાં ઘર નંબર 210 અને બીજામાં 210-212 એક દર્શાવી એક જ વ્યક્તિના બે વોટર કાર્ડ બન્યા છે.
ચોર્યાસી વિધાનસભામાં એક જ વ્યક્તિની તમામ વિગતો એક સામન છતાં બે અલગ અલગ વોટર આઈડી જોવા મળ્યા.
અનેક જગ્યાઓ પર નકલી, ખોટા, શંકાસ્પદ મતદાર ખૂબ મોટા પ્રમાણમાં છે. ગુજરાતમાં એક વોટર એક વખત નહીં પણ એક કરતા વધુ વખત વોટ આપે છે.
જો ચોર્યાસી વિધાનસભાની પેટર્ન સમગ્ર રાજ્યમાં લાગુ થઈ હોય તો રાજ્યમાં આશરે 62 લાખ કરતા વધુ મતદારો નકલી, ખોટા, શંકાસ્પદ મતદાર નીકળી શકે છે.
પુરા રાજ્યનો અંદાજ
જો ચોર્યાસી વિધાનસભાની પેટર્ન સમગ્ર રાજ્યમાં લાગુ થઈ હોય તો આખા રાજ્યમાં નીચે પ્રમાણે નકલી મતદારો હોઈ શકે છે.
1 – Exact Duplication એક જ વ્યક્તિના બે વોટ રાજ્યમાં કુલ મતદારોમાં 182 વિધાનસભા વિસ્તારમાં 5 કરોડ 6 લાખ 64 હજાર 148 હોઈ શકે
2 – Spelling Variation અક્ષર-નામમાં નજીવો ફેરફાર વિધાનસભા બેઠક દીઠ સરેરાશ મતદાર 2 લાખ 78 હજાર 374 હોઈ શકે.
3 – Multiple Epic Number ત્રણ-ચાર આઈડી, ત્રણ ચાર વોટ વિધાનસભા દીઠ નકલી,ખોટા,શંકાસ્પદ 12.3 ટકા મત હોઈ શકે.
4 – Different Language મતદાર યાદીમાં અન્ય ભાષામાં નામ રાજ્યમાં છે.
5 – Address Manipulation સરનામામાં નજીવો ફેરફારના અનેક નામ છે.
આગામી દિવસોમાં રાજ્યની તમામ 182 વિધાનસભા વિસ્તારની મતદાર યાદી ચકાસવામાં આવશે. વર્ષ 2027 સુધીમાં તમામ યાદી ચકાસણી કરી વોટ ચોરોને ખુલ્લા પાડી ગુજરાતના મતદારોના અધિકારનું રક્ષણ કરીશું. કોંગ્રેસ પક્ષ લોકશાહી બચાવવા કટિબદ્ધ છે. તેમ અમિત ચાવડાએ જણાવ્યું હતું.
દરેક પરિવાર સુધી પહોચી નકલી, ખોટા, શંકાસ્પદ મતદારોને શોધવામાં આવશે. દરેક જગ્યા પર ચોરી થઇ રહી છે, પરંતુ વોટની ચોરી થતી હોય એવું ભારત દેશના ઇતિહાસમાં પહેલી વાર થઇ રહ્યું છે, કોંગ્રેસ પક્ષ ચુપ નહિ રહે.
સમગ્ર દેશમાં લોકતંત્ર માટે ચિંતાજનક ‘વોટ ચોરી’ થઈ રહી છે. લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા બેંગલુરુ સેન્ટ્રલ લોકસભાના વોટ ચોરી અંગે કરવામાં આવેલ તથ્યાત્મક વિગતો જાહેર કરી છે. દેશના બંધારણે આપેલા મતદાનના અધિકાર એ લોકશાહીનો પાયો છે. લોકશાહી અત્યારે જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. લોકશાહી ખતમ કરવા નીકળેલી ભાજપનો અસલી ચેહરો દેશ સમક્ષ ખુલ્લો પડી રહ્યો છે.