વાત છે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની. બંનેને આજથી સાત વર્ષે પહેલા કોઈ જાણતું પણ ન હતું, પણ ગુજરાતમાં અમુક એવી ઘટનાઓ બની જેનાથી આ બંને યુવાનો નેતા થઈને ઉભરી આવ્યા, એવા નેતા કે જેની એક હાંકલથી ગુજરાતના લાખો યુવાનો મેદાને ઉતરી જતાં, અને એટલે જ 2017 ની ચુંટણી સમયે એવું મનાઈ રહ્યુ હતું કે આ બંને નેતાઓ ગુજરાતનું રાજકારણ ફેરવી નાખશે.
બંને અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા, અલ્પેશભાઈ કોંગ્રેસમાંથી રાધનપુર બેઠક પર 2017 ની ચુંટણી જીતીને ધારાસભ્ય બન્યા, જ્યારે હાર્દિક કોંગ્રેસી નેતા બનીને રહ્યો.
સમય બલવાન છે, અને એમાંય આતો રાજકારણ, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડી અને ભાજપમાં ભળ્યા, ભાજપમાં જોડાતા રાધનપુરથી જ ફરી વાર ચુંટણી લડ્યા, જોડ-તોડ, આંતરિક વિખવાદ, અદેખાઈ જેવા પરિબળોથી ભાજપમાંથી ચુંટણી હાર્યાં, ધારાસભ્ય બનેલા એ પણ ગયું… હવે વર્ષોથી ભાજપમાં રહીને કામ કરનારા નેતાઓ અલ્પેશ ઠાકોરના આવવાથી પોતાનો સ્વાર્થ પૂર્ણ ન કરી શકે, પરિણામે અલ્પેશ ઠાકોરની રાધનપુરથી હવે એવી સ્થિતિ છે કે આ બેઠકથી કાયમ માટે દૂર રહેવું પડે તો કંઈ કહેવાય નઇ.
રંગેચંગે ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં ઓબીસી સમાજ અને ખાસ કરીને ઠાકોર સમાજના યુવાનોમાં ભારે લોકપ્રિય, છતાં આજે રાજકારણના મારે અલ્પેશ ઠાકોર ભાજપમાં રહીને હિરોથી ઝીરોની પરિસ્થિતિમાં આવી ચૂક્યા હોય તેવું દેખાઈ આવે છે.
વાત હાર્દિક પટેલની… પાટીદાર અનામત આંદોલનની શરૂઆતથી વિસનગરના આ યુવાને આખું ગુજરાત ગાંડું કરેલું, ખાસ કરીને અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતેની સભામાં જે ભાષણ કરેલું તેનાથી સમગ્ર ગુજરાતના પાટીદાર યુવાનો રસ્તાઓ પર ઉતરી ગયેલા, પરિણામે સત્તાધારી ભાજપ ને પણ એકસમયે મહામુશ્કેલીએ મૂકી દીધેલી.
વર્ષ 2015 માં થયેલ આંદોલન બાદની 2017 ની ચુંટણીમાં હાર્દિક પટેલનું નામ ખૂબ ચર્ચાયું, ખૂબ વટલાયું. ચુંટણી સમયે હાર્દિક પટેલ કોઈ પાર્ટીમાં તો ન જોડાયો પણ કોંગ્રેસ માટે તેણે સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કર્યું, પરિણામે બાવીશ વર્ષથી ગુજરાતમાં સત્તા કરતી ભાજપ માંડ માંડ પોતાનો ગઢ બચાવી શકેલી.
ચુંટણી બાદ હાર્દિક પટેલને કોંગ્રેસે પોતાની સાથે જોડ્યો, એક પછી એક જવાબદારીઓ અને કામો આપીને હાર્દિક પટેલને કોંગ્રેસે માથે ચડાવેલો, જે અત્યાર સુધી ચાલતું આવે છે.
પણ હવે 2020 ની ચુંટણી આવે છે,સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભાજપ પ્રત્યેની હકારાત્મક લહેર છે, કોંગ્રેસ ધીમે ધીમે સંકોડાતી જાય છે, છેલ્લે આવેલા પાંચ રાજ્યોમાં ચુંટણી પરિણામો એ સમગ્ર દેશમાં કોંગ્રેસનું મનોબળ વધારે ઉતારી દીધું છે.
આંદોલનથી નીકળેલ હાર્દિક પટેલ હવે કોઈ એક જ્ઞાતિના નહિ પણ જનતાના નેતા છે, અને નેતાઓને પોતાની મહત્વાકાંક્ષા હોય જ, હાર્દિકને પણ હોય, અને એ મહત્વાકાંક્ષા કોંગ્રેસમાં પૂરી થાય પણ અને ન પણ થાય,
હજી તો માત્ર 27 વર્ષ એમની ઉંમરનો હાર્દિક પટેલ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ ઈચ્છે તે સ્વાભાવિક છે.
અને એટલે જ કદાચ બની શકે કે હાર્દિક પટેલનું મન હવે કોંગ્રેસથી ભરાઈ ગયું હોય, અને ચુંટણી પહેલા એક નવો વિકલ્પ શોધીને સફર ખેડવા માંગતો હોય.