ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણ પૂરી ગતિમાં આવી ચૂક્યું છે, દરેક રાજકીય પાર્ટીઓ અને નેતાઓ અન્યને પાછળ પડવાની હોડમાં લાગુ ચૂક્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ ઉપર વધુ એક ફટકો હાર્દિક પટેલના નામથી પડ્યો છે.
ગઈકાલે હાર્દિક પટેલે અનેક આક્ષેપો સાથે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું, જેમાં અમુક આક્ષેપો ખરેખર ખૂબ જ ગંભીર ગણાવી શકાય તેવા કર્યા છે, ત્યારે સવાલ થાય કે ખરેખર ગુજરાત કોંગ્રેસ આવી સ્થિતિમાં છે ખરી કે આ માટે નિવેદનબાજી પૂરતું જ ગણાવી શકાય ?
થોડા સમય અગાઉથી જ વાત કરીએ તો કોંગ્રેસના અમુક નેતાઓ આગામી ચૂંટણીને લઈને પ્રશાંત કિશોરની સહકાર માટેની વાત કરતા હતા, તેના પરથી એટલો જરૂર ખ્યાલ આવે કે ગુજરાતમાં કોંગ્રેસને પોતાના પર આત્મબળનો અભાવ હોઈ શકે છે. રાજનીતિમાં કોઈ પણ જંગની શરૂઆત આત્મબળથી જ થાય છે.
દર વખતે ચુંટણી આવે એટલે પાર્ટીઓ જોડ-તોડનું ચક્રવ્યૂહ ઘડતી હોય છે, જેમાં સૌથી વધુ ફાવે છે ભાજપ, છેલ્લા પાંચ વર્ષોમાં અનેક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં ભળી ગયા છે અને હજી પણ આ સિલસિલો યથાવત છે, પરિસ્થિતિ એવી છે કે આવા નેતાઓ પાસે હવે માત્ર ભાજપ નહિ પરંતુ ‘AAP’ પાર્ટી જેવા અન્ય વિકલ્પો પણ આવી રહ્યાં છે.
વાત કરીએ ગત 2017 વિધાનસભાની ચુંટણીની તો કોંગ્રેસનું છેલ્લા 22 વર્ષોમાં સૌથી સારું પ્રદર્શન રહેલું, 77 બેઠકો મેળવીને કોંગ્રેસ સત્તાથી થોડી દૂર રહેલી, ચુંટણીનું આ પરિણામ કોંગ્રેસ માટે હારના દુઃખ કરતા સારા પરિણામનું સુખ હોવું જોઈતું હતું, ચુંટણીનું આ પરિણામ કોંગ્રેસ માટે એક નવી શરૂઆતની જેમ હતું, પણ થયું એકદમ ઉલટું.
ચુંટણી બાદ કોંગ્રેસ બેસી રહી, અને એક પછી એક નેતાઓ ભાજપમાં અને અન્ય પાર્ટીઓમાં ભળતા રહ્યાં, અને 77ના આંકડા સુધી કોંગ્રેસ પહોંચેલી ત્યાંથી દૂર અત્યારે 63 પર આવી પહોંચી, કોંગ્રેસી ધારાસભ્યોની દળ બદલીની સાથે સાથે રાજ્યમાં અનેક સ્થાનોએ સંગઠન પણ ભાંગતું રહ્યું,
છેલ્લે 2019 ની લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ ગુજરાતની એક પણ બેઠક ન મેળવી શક્યું.
આ જ પ્રકારે 2015ની સ્થાનિક ચુંટણીઓમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ સારું રહેલું, જે 2019 ની સ્થાનિક ચુંટણીઓમાં સંપૂર્ણ ભાંગી ચૂક્યું હોય તેવું દેખાઈ આવેલું.
ચુંટણીઓમાં આવેલા આવા પરીણામોના કારણે તે સમયના કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીને રાજીનામા આપવા પડેલા,
આ સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો અત્યાર સુધી એક પણ નેતા ગુજરાત કોંગ્રેસનું અડીખમ નેતૃત્વ કરી શકે તેવું નથી દેખાયું, જેના કારણે બની બનાવેલી તમામ રણનીતિઓને અસર પહોંચી.
એક તો નબળી બનતી સ્થિતિ અને સંગઠનમાં વારંવાર થતા ફેરબદલ કારણે કાર્યકર્તાઓનું મનોબળ નિરંતર નીચું આવતું રહ્યું, આ પ્રમાણે થયેલા નેતૃત્વમાં ફેરબદલના કારણે પાર્ટીમાં જ અંદરોઅંદર વાડાઓ બાંધતા ગયા અને કોંગ્રેસ ભાજપ સામે લડવામાં બદલે પોતાનામાં જ ગુંચવાયલી રહી ગઈ, આવી પરિસ્થિતિ અટકાવવા માટે પહેલા કોંગ્રેસ પાસે અહમદ પટેલ જેવા સ્થાનિક નેતાઓ હતા, પણ અકાળે મૃત્યુના કારણે ગુજરાત કોંગ્રેસના માથે કોઈનો હાથ ન રહ્યો હોય તેવી સ્થિતિ બની ગઈ, પરિણામે અંદરોઅંદર નેતાઓ વચ્ચેના કકળાટમાં વધારો જ થતો રહ્યો.
2019 ની સ્થાનિક ચુંટણીઓમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ઔવેસીની પાર્ટી AIMIM એ દેખા દીધા, જેની સીધી અસર ગુજરાત કોંગ્રેસ પર પડી, સુરત, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને વડોદરા જેવા શહેરોમાં થયેલી કોર્પોરેશનની ચુંટણીઓમાં આ પાર્ટીઓએ કોંગ્રેસના મતોના ભાગલા પડ્યા અને તે દરેક સ્થાનોએ કોંગ્રેસ પડી ભાંગી.
રાજકારણમાં રહેલા નેતાઓ ભલે જનતાની સેવા માત્રની જે વાતો કરતા હોય પરંતુ તેની પાછળ તેની મહત્વાકાંક્ષા પણ હોય જ, આ વાત કોંગ્રેસના નેતાઓને પણ લાગુ પડે, એક તો સામે નિરંતર મજબૂત થતી ભાજપ વર્ષોથી સત્તા ભોગવી રહી હોય, અને સામે કોંગ્રેસ ધીરે ધીર નબળી પડતી જાય, ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસમાંથી પણ અમુક મહત્વાકાંક્ષી નેતાઓને અસુરક્ષા અનુભવાય, પરિણામે કોંગ્રેસ છોડીને સત્તાનો સ્વાદ ચાખવા માટે અન્ય વિકલ્પોની શોધમાં નીકળી પડતાં રહે, અને કોંગ્રેસને નબળી પાડતાં જાય.