સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલવાનમાં આગ લાગવાની ઘટનાનો મોટો પડઘો પડ્યો છે. સુરત ટ્રાફિક પોલીસ હરકતમાં આવીગ ગઈ છે. સુરતમાં અલગ અલગ ટીમો બનાવીને સ્કૂલવાનની ચેકિંગની પ્રક્રિયા હાથધરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રાફિક પોલીસે ઓટો રિક્ષા અને સ્કૂલ વાનમાં તપાસ શરૂ કરી હતી. વધુ વિદ્યાર્થીઓ ભરેલી ગાડીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. નિયમ પ્રમાણે ન લાગતા વાહનો સામે દંડ અને ડિટેઇન કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા હાથધરવામાં આવી હતી.
ગુરુવારે સવારે સાતેક વાગ્યાના અરસામાં ઘોડદોડ રોડ બીએસએનએલ ઓફિસ નજીક બેંક ઓફ બરોડા સામેના રોડ પર વિદ્યાર્થીઓથી ભરેલી વાનમાં આગ ફાટી નીકળી હતી. આગ સાથે ફેલાયેલા ધૂમાડાના કારણે વિદ્યાર્થીઓની બુમરાણ મચાવી હતી. વાનમાં આગ ફાટી નીકળતા વિદ્યાર્થીઓ ભયભીત થઈ ગયા હતા. વાનમાં લાગેલી આગમાં વિદ્યાર્થીઓની સ્કૂલબેગ બળી જવા પામી હતી. દાઝેલા બાળકોને સારવાર માટે મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આગનો કોલ મળતાં સ્થળ ઉપર પહોંચી કામગીરી કરનારા મજુરા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર હરિભાઉ બોરસેએ જણાવ્યું હતું કે, લાશ્કરોએ ત્વરિત વાનમાં શોર્ટર્સિકટને લીધે આગ ભડકી હોવાની શક્યતા છે.
આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી હતી. સેફ્ટીના ધારાધોરણો નેવે મૂકી ફરી રહેલી સ્કૂલ વાન સામે તંત્ર કોઇ કાર્યવાહી કરતું ન હોવાનો રોષ લોકોમાં જોવા મળ્યો હતો. આ મામલે આરટીઓ અને પોલીસ એકબીજા ઉપર ખો નાંખી ખિસ્સા ભરતાં હોવાની વાત પણ બહાર આવી હતી. સ્કૂલ વાનની આ દુર્ઘટના અંગે ઉમરા પોલીસે પણ તપાસ હાથ ધરી હતી.