મહિલા વન-ડે વર્લ્ડ કપ 2025: હવે વિજેતા ટીમને મળશે 40 કરોડ રૂપિયા, ICCએ વધારી પ્રાઇઝ મની
મહિલા ક્રિકેટ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ એક ઐતિહાસિક પગલું ભરતા મહિલા વન-ડે વર્લ્ડ કપની ઈનામી રકમમાં રેકોર્ડ વધારો કર્યો છે. હવે આ ટૂર્નામેન્ટની ચેમ્પિયન ટીમને લગભગ 40 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની મળશે.
ICCએ જાહેરાત કરી કે 2025 મહિલા વન-ડે વર્લ્ડ કપ, જેનું યજમાનપદ ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે, તેમાં કુલ 122.5 કરોડ રૂપિયા (13.88 મિલિયન ડોલર)ની પુરસ્કાર રાશિ રાખવામાં આવી છે. આ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે.
કોને કેટલી મળશે ઇનામી રકમ?
- વિજેતા ટીમ – 44.80 લાખ ડોલર (લગભગ 39.55 કરોડ રૂપિયા)
- ઉપવિજેતા ટીમ – 2.24 મિલિયન ડોલર (લગભગ 19.77 કરોડ રૂપિયા)
- સેમિફાઇનલ હારનારી ટીમો – 1.12 મિલિયન ડોલર (લગભગ 9.89 કરોડ રૂપિયા)
- ગ્રુપ સ્ટેજ જીત – પ્રતિ જીત 34,314 ડોલર (લગભગ 30.29 લાખ રૂપિયા)
- પાંચમા અને છઠ્ઠા સ્થાનની ટીમો – 700,000 ડોલર (લગભગ 62 લાખ રૂપિયા)
- સાતમા અને આઠમા સ્થાનની ટીમો – 280,000 ડોલર (લગભગ 24.71 લાખ રૂપિયા)
- તમામ સહભાગી ટીમો – 250,000 ડોલર (લગભગ 22 લાખ રૂપિયા)
છેલ્લા વર્લ્ડ કપ સાથે તુલના
ન્યુઝીલેન્ડમાં રમાયેલા છેલ્લા મહિલા વન-ડે વર્લ્ડ કપમાં કુલ ઇનામી રકમ લગભગ 31 કરોડ રૂપિયા હતી. આ વખતે તેને લગભગ 297% વધારવામાં આવી છે, એટલે કે ચાર ગણી વધારે.
ખાસ વાત એ છે કે મહિલા વન-ડે વર્લ્ડ કપ 2025ની કુલ પ્રાઈઝ મની, પુરુષ વન-ડે વર્લ્ડ કપ 2023થી પણ વધુ હશે.
મહિલા ક્રિકેટ માટે સીમાચિહ્ન
ICCના ચેરમેન જય શાહે કહ્યું કે આ નિર્ણય મહિલા ક્રિકેટના ભવિષ્ય માટે ઐતિહાસિક છે. તેમણે કહ્યું,
“આ ચાર ગણો વધારો મહિલા ક્રિકેટની યાત્રામાં એક સીમાચિહ્ન સાબિત થશે. અમારો હેતુ સ્પષ્ટ છે – મહિલા ક્રિકેટરોને એવું લાગવું જોઈએ કે જો તેઓ આ રમતને વ્યવસાયિક રીતે પસંદ કરે છે તો તેમને પુરુષ ક્રિકેટરોની બરાબર સન્માન અને તકો મળશે.”
આ નિર્ણય માત્ર મહિલા ક્રિકેટની લોકપ્રિયતા જ નહીં વધારે, પરંતુ આવનારા સમયમાં તેને વધુ વ્યાવસાયિક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે.