ગુજરાતનો હર્ષલ પટેલ હવે ગુજરાત માટે જ રમશે: ૧૪ વર્ષ બાદ ‘ઘર વાપસી’
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર હર્ષલ પટેલે એક મોટો નિર્ણય લીધો છે. આગામી ડોમેસ્ટિક ક્રિકેટ સીઝનથી તે હવે તેના જન્મસ્થળ ગુજરાત માટે ઘરેલુ ક્રિકેટ રમશે. છેલ્લા ૧૪ વર્ષથી હરિયાણાનું પ્રતિનિધિત્વ કર્યા બાદ, હર્ષલની આ ‘ઘર વાપસી’ એક મહત્વપૂર્ણ ઘટના છે. તમામ પેપરવર્ક પૂર્ણ થયા બાદ, આ મહિનાના અંતમાં તે ગુજરાતના પ્રી-સીઝન કેમ્પમાં જોડાશે.
હર્ષલ પટેલે ૨૦૦૮-૦૯માં ગુજરાત માટે લિસ્ટ-એ મેચથી ડેબ્યુ કર્યું હતું. જોકે, ગુજરાત ટીમમાં પૂરતી તક ન મળવાને કારણે, તે ૨૦૧૦ના અંડર-૧૯ વર્લ્ડ કપ પછી હરિયાણા ટીમમાં જોડાયો હતો. ૨૦૧૧-૧૨માં તેણે હરિયાણા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું અને ત્યાંથી તેની કારકિર્દીનો નવો અધ્યાય શરૂ થયો.

હરિયાણા માટે હર્ષલનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે ૭૪ ફર્સ્ટ ક્લાસ મેચોમાં ૨૪ની સરેરાશથી ૨૪૬ વિકેટ ઝડપી, જેમાં ૧૨ વખત ઇનિંગમાં પાંચ વિકેટ લેવાનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનના આધારે તેણે ભારતીય ટીમમાં પણ સ્થાન મેળવ્યું.
હરિયાણા ટીમ છોડવાના નિર્ણય પર હર્ષલે ભાવુક થઈને કહ્યું, “૨૦૧૦-૧૧થી મારી આખી વ્યાવસાયિક કારકિર્દી હરિયાણા સાથે જોડાયેલી રહી છે અને હું તેમનો ખૂબ આભારી છું. જો ૧૮ વર્ષની ઉંમરે મેં હરિયાણા જવાનો નિર્ણય ન લીધો હોત, તો કદાચ હું ક્રિકેટ રમવાને બદલે અમેરિકા ગયો હોત.”
હર્ષલ પટેલ હરિયાણાની સફેદ બોલ ક્રિકેટ ટીમનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. તેની આગેવાની હેઠળ હરિયાણાએ ૨૦૨૩-૨૪ની સીઝનમાં પ્રથમવાર વિજય હઝારે ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. IPL ૨૦૨૧માં, તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા ૩૨ વિકેટ ઝડપીને ડ્વેન બ્રાવોના રેકોર્ડની બરાબરી કરી હતી.
