હોન્ડા ઈન્ડિયાએ તેની કારની રેન્જની કિંમતોમાં 20,000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. એપ્રિલ મહિનામાં પણ કંપનીએ પોતાના વાહનોની કિંમતમાં વધારો કર્યો હતો અને હવે જૂન મહિનામાં આ બીજી વખત વધારો છે. કંપનીએ તેની Honda City, Honda Amaze, Honda Jazz અને Honda WR-Vની કિંમતોમાં વધારો કર્યો છે. મોડલ અને વેરિઅન્ટ અનુસાર WR-V અને Honda Jazzની કિંમતો 11,900 રૂપિયાથી વધારીને 20 હજાર રૂપિયા કરવામાં આવી છે. 4થી જનરેશન હોન્ડા સિટીના ભાવમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. તો ચાલો જાણીએ કંપનીએ કઈ કારની કિંમતમાં કેટલો વધારો કર્યો છે.
હોન્ડા સિટી
હોન્ડા સિટી એક સેડાન કાર છે. કંપનીએ તેની 4થી જનરેશનની કિંમત 9.30 લાખ રૂપિયાથી વધારીને 9.50 લાખ રૂપિયા કરી છે. બીજી તરફ 5મી જનરેશન હોન્ડા સિટીની કિંમતમાં 17,500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તમારે આ કારના બેઝ મોડલ માટે 11.46 લાખ રૂપિયા અને ટોપ મોડલ માટે 15.47 લાખ રૂપિયા ચૂકવવા પડશે.
હોન્ડા અમેઝ
હોન્ડા અમેઝ સેડાનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. તેના તમામ મોડલ પર 12,500 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે આ કારના બેઝ વેરિઅન્ટ માટે તમારે 6.43 લાખની જગ્યાએ 6.56 લાખ રૂપિયા ચૂકવવા પડશે. પહેલા આ કારના ટોપ મોડલની કિંમત 11.30 લાખ રૂપિયા હતી પરંતુ હવે તે વધીને 11.43 લાખ રૂપિયા થઈ ગઈ છે.
હોન્ડા જાઝ
કંપનીએ હોન્ડા જાઝની કિંમતમાં પણ 12,500 રૂપિયાનો વધારો કર્યો છે. આ કાર માટે પહેલા તમારે 7.84 લાખ ચૂકવવા પડતા હતા અને હવે તમારે 7.96 લાખ ચૂકવવા પડશે.
હોન્ડા WR-V
આ હોન્ડાની એસયુવી છે. કંપનીએ આ કારના પેટ્રોલ વેરિઅન્ટની કિંમત 11,900 રૂપિયાથી વધારી છે અને તેના ડીઝલ વેરિઅન્ટની કિંમતમાં 12,500 રૂપિયાનો વધારો કર્યો છે. હવે આ કારની કિંમત 8.88 લાખ રૂપિયાથી વધીને 9 લાખ રૂપિયા થઈ ગઈ છે. Honda WR-V ના ટોપ મોડલ માટે તમારે હવે 12.44 લાખ રૂપિયા ચૂકવવા પડશે.