પૈસાની અછત શિક્ષણને અટકાવશે નહીં, CBSEએ સેન્ટ્રલ સેક્ટર સ્કોલરશીપ 2025-26 માટે અરજી પ્રક્રિયા શરૂ કરી
આજની મોંઘવારીમાં શિક્ષણનો ખર્ચ એટલો વધી ગયો છે કે ઘણીવાર હોશિયાર વિદ્યાર્થીઓ માત્ર આર્થિક તંગીને કારણે પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડવા મજબૂર થાય છે. આવા વિદ્યાર્થીઓની મદદ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ એક ખાસ પહેલ કરી છે. બોર્ડે સેન્ટ્રલ સેક્ટર સ્કોલરશીપ સ્કીમ (Central Sector Scholarship Scheme) માટે શૈક્ષણિક વર્ષ 2025-26ની અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
રસ ધરાવતા વિદ્યાર્થીઓ નેશનલ સ્કોલરશીપ પોર્ટલ (NSP) પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા નવી સ્કોલરશીપ અને રિન્યુઅલ બંને માટે શરૂ કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2025 નક્કી કરવામાં આવી છે.
કેટલા વિદ્યાર્થીઓને મળશે લાભ?
આ યોજના હેઠળ દર વર્ષે 82,000 નવા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે છે. તેમાં મેડિકલ, એન્જિનિયરિંગ, ગ્રેજ્યુએશન અને પોસ્ટ-ગ્રેજ્યુએશન જેવા કોર્સ સામેલ છે. પહેલાથી લાભ લઈ રહેલા વિદ્યાર્થીઓ સમયસર રિન્યુઅલ કરાવીને સ્કોલરશીપ ચાલુ રાખી શકે છે.
કેટલી મળશે સ્કોલરશીપની રકમ?
- ગ્રેજ્યુએશન કરતા વિદ્યાર્થીઓને પહેલા 3 વર્ષ સુધી દર વર્ષે ₹12,000 મળે છે.
- પોસ્ટ-ગ્રેજ્યુએશન કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે ₹20,000ની રકમ આપવામાં આવે છે.
- આ રકમ વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસ જ નહીં પરંતુ રોજિંદા ખર્ચાઓમાં પણ મોટી રાહત આપે છે.
સ્કોલરશીપ મેળવવાની શરતો
- વિદ્યાર્થી કોઈ માન્યતા પ્રાપ્ત કોલેજ અથવા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોય.
- સંસ્થા AICTE અથવા કોઈ માન્યતા પ્રાપ્ત નિયમનકારી સંસ્થા સાથે સંલગ્ન હોવી જોઈએ.
- વિદ્યાર્થીને પહેલાથી કોઈ અન્ય સરકારી સ્કોલરશીપ અથવા ફી માફીનો લાભ મળવો ન જોઈએ.
- પરિવારની વાર્ષિક આવક ₹4.5 લાખથી વધુ ન હોવી જોઈએ.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન જરૂરી છે
અરજી સાથે તમામ જરૂરી દસ્તાવેજોનું સમયસર વેરિફિકેશન થવું ફરજિયાત છે. CBSE એ કોલેજ અને યુનિવર્સિટીના નોડલ ઓફિસરોને નિર્દેશ આપ્યા છે કે તેઓ સમયસર અરજીની તપાસ કરે અને કોઈ ભૂલ અથવા ખામીની સ્થિતિમાં તરત સુધાર કરાવી લે. જો વેરિફિકેશન સમયસર પૂર્ણ નહીં થાય તો અરજી માન્ય ગણાશે નહીં.
આ રીતે CBSEની આ સ્કોલરશીપ યોજના તે વિદ્યાર્થીઓ માટે આશાનું નવું કિરણ છે જે આર્થિક તંગીને કારણે અભ્યાસ રોકવા મજબૂર થાય છે.