સોમનાથ મહાદેવ મંદિર પ્રભાસ પાટણ. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરને ફૂગ વિરોધી પિસ્તા રંગથી ઝળહળતી કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરની ટોચથી ભોંયતળીયા સુધીની કલરકામની કામગીરી બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ – સોમનાથ ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિરની ઊંચાઈ ભોંયતળિયા થી શિખર સુધી 155 ફૂટ છે. અરબી સમુદ્રના કિનારે વસેલું હોવાથી ધોવાણ, હવામાન-પવનને કારણે થતા ધોવાણને અટકાવવા અને સમયાંતરે સ્થાપત્યની આસ્થા અને આકર્ષણના મૂળ સ્વરૂપને જાળવી રાખવા માટે રંગકામ શરૂ કરવામાં આવ્યું છે.
1 કરોડથી વધુનો ખર્ચ થશેઃ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના જણાવ્યા મુજબ એક કરોડથી વધુના ખર્ચે રંગકામ કરવામાં આવી રહ્યું છે. આખા મંદિર ને કેમિકલથી સાફ કરવાનું, હાલના કલરમાં એન્ટી ફંગલ પિસ્તા કલર સાથે સફેદ પ્રાઈમર લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, આ કામ લગભગ 2 મહિનામાં પૂર્ણ થશે..