અફઘાનિસ્તાનમાં વિનાશક ભૂકંપ: ૧,૪૦૦થી વધુ લોકોના મોત
અફઘાનિસ્તાનમાં તાજેતરમાં આવેલા વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે આ ભૂકંપમાં અત્યાર સુધીમાં ૧,૪૧૧ લોકોના મોત થયા છે, જ્યારે ૩,૧૨૪ લોકો ઘાયલ થયા છે. આ ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ રવિવારે મોડી રાત્રે આવ્યો હતો, જેનો સૌથી વધુ પ્રભાવ કુનાર પ્રાંતમાં જોવા મળ્યો. આ ઘટનામાં ૫,૪૦૦થી વધુ ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, અને ઘણા ગામો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. ગાઝિયાબાદ જેવા ગામોમાં તો પૂરેપૂરો વિનાશ થયો છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે, પરંતુ કાટમાળ હટાવવા માટે જરૂરી સાધનો અને સુવિધાઓનો અભાવ છે. આના કારણે બચાવ અને રાહત કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે.
અફઘાનિસ્તાનમાં વારંવાર ભૂકંપ કેમ આવે છે?
અફઘાનિસ્તાન ભૂકંપના દ્રષ્ટિકોણથી પૃથ્વીના સૌથી સક્રિય પ્રદેશોમાંનો એક છે. આ દેશ હિન્દુ કુશ પર્વતમાળા અને ભારતીય પ્લેટ તથા યુરેશિયન પ્લેટ ની વચ્ચે સ્થિત છે. આ પ્લેટોની ગતિવિધિને કારણે અહીં વારંવાર ભૂકંપ આવે છે. ઉત્તરી અફઘાનિસ્તાનના પામિર-હિન્દુ કુશ ક્ષેત્રમાં ૨૦૦ કિલોમીટર જેટલી ઊંડાઈ સુધીના ભૂકંપ પણ નોંધાય છે, જે વૈશ્વિક સ્તરે એક દુર્લભ ઘટના છે.
આનાથી વિપરીત, સુલેમાન પર્વતમાળા (પશ્ચિમ પાકિસ્તાન અને દક્ષિણપૂર્વ અફઘાનિસ્તાન) નજીકના ભૂકંપ સામાન્ય રીતે છીછરા હોય છે, એટલે કે તેઓ સપાટીની નજીક આવે છે, જેના કારણે વધુ વિનાશ થાય છે. હાલનો ભૂકંપ પણ આ જ પ્રકારનો હોવાથી ભારે નુકસાન થયું છે. આ ભૌગોલિક સ્થિતિને કારણે અફઘાનિસ્તાન હંમેશા ભૂકંપના જોખમ હેઠળ રહે છે.