પુતિન અને કિમ જોંગ ઉન સાથે મળતા ટ્રમ્પ ગુસ્સે, અમેરિકા વિરુદ્ધ કાવતરાનો આરોપ લગાવ્યો
ટ્રમ્પે ચીનમાં પુતિન અને કિમ જોંગ ઉનની મુલાકાત પર આકરા પ્રહારો કર્યા છે અને આરોપ લગાવ્યો છે કે તેઓ અમેરિકા વિરુદ્ધ કાવતરું રચી રહ્યા છે. આ ઘટના પરિવર્તિત થતા વૈશ્વિક રાજકારણને દર્શાવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પએ ચીનમાં યોજાઈ રહેલી વિજય પરેડ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉનની મુલાકાત પર ભારે રોષ વ્યક્ત કર્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ બંને નેતાઓ પર અમેરિકા વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે.
ચીન બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હારની 80મી વર્ષગાંઠ નિમિત્તે એક ભવ્ય વિજય પરેડનું આયોજન કરી રહ્યું છે, જેમાં વિશ્વના ઘણા નેતાઓ હાજરી આપી રહ્યા છે. આ જ કાર્યક્રમમાં પુતિન અને કિમ જોંગ ઉન વચ્ચે મુલાકાત થઈ, જેના કારણે ટ્રમ્પ ગુસ્સે ભરાયા.

અમેરિકાની ભૂમિકાને યાદ અપાવી
ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ કટાક્ષ કરતા કહ્યું કે ચીનની આઝાદી માટે અમેરિકાએ ‘લોહી’ વહાવ્યું હતું અને આ વાતને ભૂલવી ન જોઈએ. તેમણે કહ્યું કે ચીનની જીતમાં ઘણા અમેરિકનોએ પોતાનો જીવ ગુમાવ્યો અને આશા વ્યક્ત કરી કે તેમના બહાદુરી અને બલિદાનને યાદ રાખવામાં આવશે.
ટેરિફ અને ભારતનો મુદ્દો
આ પહેલા ટ્રમ્પે ભારત સહિત ઘણા દેશો પર ઊંચા ટેરિફ લગાવ્યા હતા, જેમાં ભારત પર 50 ટકા ટેરિફનો સમાવેશ થાય છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી SCO સમિટ માટે ચીન ગયા હતા, જ્યાં તેઓ પુતિન અને જિનપિંગ સાથે જોવા મળ્યા હતા. અમેરિકાના આર્થિક દબાણ વચ્ચે આ ત્રણેય નેતાઓની મુલાકાત ટ્રમ્પ માટે એક સંકેત સમાન હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા સમીકરણોમાં રશિયા, ચીન અને ભારતનું એકસાથે આવવું અમેરિકા માટે ચિંતાનો વિષય બન્યો છે. ટ્રમ્પનું નિવેદન આ ચિંતાને સ્પષ્ટપણે દર્શાવે છે અને વૈશ્વિક રાજનીતિમાં વધી રહેલા તણાવને ઉજાગર કરે છે.

ટ્રમ્પ પહેલાથી જ ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લાદી ચૂક્યા છે, અને હવે રશિયા-ઉત્તર કોરિયા સાથેની નજીકતા જોઈને તેમના તાવમાં વધારો થયો છે. ચીન, રશિયા અને ઉત્તર કોરિયાની સંભવિત મૈત્રીનું પરીણામ ભવિષ્યમાં વૈશ્વિક રાજકારણમાં ઊંડી અસર કરી શકે છે.
