બિહારના વૈશાલી જિલ્લામાંથી આવા સમાચાર સામે આવ્યા છે, જેને જાણીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. પોલીસની ટીમ બાતમી મળતા હાજીપુર રેલ્વે સ્ટેશન પાસે આવેલી હોટલોમાં દરોડા પાડવા ગઈ હતી, જેથી અગ્નિપથ યોજના સામે થતા ઉપદ્રવને અટકાવી શકાય. પોલીસકર્મીઓએ જ્યારે હોટલોમાં દરોડા પાડવાનું શરૂ કર્યું ત્યારે તેમના હોશ ઉડી ગયા. અહીની હોટલોમાં ખુબ જ ગંદો ધંધો ચાલતો હતો. પોલીસે હોટલોમાં ચાલતા દેહવ્યાપારના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ ટીમે 2 ડઝનથી વધુ મહિલાઓ અને પુરુષોની પણ અટકાયત કરી છે.
મળતી માહિતી મુજબ, અગ્નિપથ યોજનાના વિરોધની આડમાં ફરી એકવાર બિહારમાં અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર હોવાની બાતમી મળી હતી. જે બાદ આ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એલર્ટને જોતા હાજીપુરમાં પોલીસ પ્રશાસને પણ કાર્યવાહી તેજ કરી દીધી છે. આ અંતર્ગત હાજીપુર રેલ્વે સ્ટેશન પાસે આવેલી એક ડઝનથી વધુ હોટલ પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ હોટલમાંથી 2 ડઝનથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ અંગે સદર એસડીપીઓ રાઘવ દયાલે જણાવ્યું કે, હેડક્વાર્ટરની સૂચના પર એસડીએમ સદરના નેતૃત્વમાં સ્ટેશનની નજીકની ઘણી હોટલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન એક હોટલમાંથી અડધો ડઝન યુવક-યુવતીઓ વાંધાજનક હાલતમાં ઝડપાયા છે, જેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે પોલીસ અગ્નિપથ યોજનાની આડમાં ઉપદ્રવ ફેલાવવાના કાવતરા માટે દરોડા પાડવા માટે આવી હતી, પરંતુ હોટલોમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ થયો. આ જોઈને પોલીસ પ્રશાસન પણ સ્તબ્ધ થઈ ગયું હતું.
એસડીએમ સદર અરુણ કુમારે જણાવ્યું કે આ એક રૂટીન અભિયાન છે, આ અંતર્ગત માત્ર હોટલોમાં જ નહીં પરંતુ લોજ અને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં પણ દરોડા પાડવામાં આવશે, જેથી ઘટના બને તે પહેલા જ રોકી શકાય. પોલીસની આ કાર્યવાહીથી હાજીપુર શહેરની હોટલોમાં ચાલતા દેહવ્યાપારના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે પૈસા માટે હોટલોમાં મોટા પાયે દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. જો કે પોલીસના આ દરોડાના પગલે અસામાજિક તત્વોની સાથે સાથે અનૈતિક કામ કરનારાઓમાં પણ ફફડાટ મચી ગયો છે.