રશિયા અને ચીન એક થયા, અમેરિકાનું વર્ચસ્વ જોખમમાં
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એકધ્રુવીય વિશ્વ વ્યવસ્થાનો અંત લાવવાનું આહ્વાન કરીને વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. તાજેતરમાં ચીન પ્રવાસના અંતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે હવે એવો સમય આવી ગયો છે જ્યારે વિશ્વને બહુધ્રુવીય વ્યવસ્થાની જરૂર છે, જ્યાં કોઈ એક દેશનું વર્ચસ્વ ન હોય અને તમામ રાષ્ટ્રોને સમાન અધિકાર મળે. આ નિવેદનને અમેરિકા અને તેના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસન માટે સીધો પડકાર માનવામાં આવી રહ્યો છે.
પુતિને અમેરિકાનું નામ લીધા વિના તેની આક્રમક નીતિઓની ટીકા કરી. તેમણે કહ્યું, “એકધ્રુવીય વિશ્વ અન્યાયી છે, આ સ્પષ્ટ છે. અમારો સંબંધ એ વિચાર પર આધારિત છે કે વિશ્વ બહુધ્રુવીય હોવું જોઈએ, જેમાં બધા દેશો સમાન હોય.” તેમણે BRICS અને SCO જેવા સંગઠનોની પ્રશંસા કરી અને કહ્યું કે આ સંગઠનો નવી વૈશ્વિક વ્યવસ્થાના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યાં કોઈ એક દેશનું વર્ચસ્વ નથી.
આ નિવેદન પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર યુક્રેન યુદ્ધને લઈને લાદવામાં આવેલા પ્રતિબંધો અને અમેરિકા દ્વારા ભારત અને ચીન જેવા દેશો પર લાદવામાં આવેલા ટેરિફના સંદર્ભમાં ખૂબ જ મહત્વનું છે. પુતિને ખાસ કરીને ભારત અને ચીન જેવા આર્થિક મહાશક્તિઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભલે ભારત અને ચીન જેવી મોટી અર્થવ્યવસ્થાઓ હોય, તેનો અર્થ એ નથી કે કોઈ એક દેશ વૈશ્વિક રાજકારણ કે સુરક્ષા પર પ્રભુત્વ ધરાવે.
રશિયન તેલની ખરીદીને કારણે ભારત પર અમેરિકન ટેરિફ ૫૦ ટકા સુધી પહોંચી ગયા છે
જે એક અન્યાયી પગલું છે. આ જ પ્રેસ કોન્ફરન્સમાં પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની તાજેતરની અનૌપચારિક વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે મોદીને અલાસ્કામાં ટ્રમ્પ સાથેની તેમની વાતચીત વિશે માહિતી આપી હતી. પુતિને ચીન મુલાકાતને ‘ખૂબ જ સકારાત્મક’ ગણાવી અને કહ્યું કે આ મુલાકાત દરમિયાન થયેલા કરારો ભવિષ્ય માટે માર્ગદર્શક છે. પુતિનનું આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે રશિયા વૈશ્વિક શક્તિ સંતુલનમાં એક મોટો ફેરફાર જોવા માંગે છે, જેમાં અમેરિકાના વર્ચસ્વનો અંત આવે.