જીએસટી કલેક્શનના હિસાબે જૂન મહિનો સરકાર માટે સારો રહ્યો છે. જૂનમાં GST કલેક્શનનો ગ્રોથ ઘણો સારો રહ્યો છે. આ અંગે માહિતી આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જૂન 2022માં GST કલેક્શન 1.44 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે. તેમણે કહ્યું કે વાર્ષિક ધોરણે GST કલેક્શનમાં 56 ટકાનો વધારો નોંધાયો છે.
‘આવક 1.40 લાખ કરોડથી ઉપર રહેશે’
નાણામંત્રીએ એમ પણ કહ્યું કે હવે GSTની આવક 1.40 લાખ કરોડથી ઉપર રહેશે. અગાઉ મે મહિનામાં GST કલેક્શન 1,40,885 કરોડ રૂપિયા હતું. એપ્રિલમાં જીએસટી કલેક્શન વધીને રેકોર્ડ રૂ. 1.68 લાખ કરોડ થયું હતું. GST લાગુ થયા પછી આ પહેલીવાર બન્યું છે જ્યારે મહિના દર મહિનાના આધાર પર GSTનો આંકડો 1.50 લાખ કરોડને વટાવી ગયો છે.
સરકાર દર 15 દિવસે સમીક્ષા કરશે
GST કલેક્શન વિશે માહિતી આપવા ઉપરાંત નાણાપ્રધાને કહ્યું કે સરકાર આંતરરાષ્ટ્રીય કિંમતોના આધારે ક્રૂડ ઓઈલ, ડીઝલ, એરક્રાફ્ટ ઈંધણ પર લાદવામાં આવેલા ટેક્સની દર 15 દિવસે સમીક્ષા કરશે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર લગામ લગાવવા માટે સરકાર દ્વારા નિકાસ પરની એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે.
હવે સરકાર દ્વારા પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 12 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી વધારી દેવામાં આવી છે. આ સિવાય એટીએફની નિકાસ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સમાચાર દેશવાસીઓ માટે સારા છે. તેનાથી સ્થાનિક બજારમાં ઇંધણના વપરાશને પહોંચી વળવામાં મદદ મળશે.