ILT20 2025: આંતરરાષ્ટ્રીય લીગ T20નું શિડ્યુલ જાહેર, ટાઇટલ માટે ૬ ટીમો મેદાનમાં
આંતરરાષ્ટ્રીય લીગ T20 (ILT20)ની ચોથી સીઝનનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, જેણે ક્રિકેટ જગતમાં ઉત્સાહ જગાવ્યો છે. આ વખતે ટુર્નામેન્ટ ૨ ડિસેમ્બર, ૨૦૨૫ થી શરૂ થશે અને ૪ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી ચાલશે. લીગની શરૂઆત એક હાઇ-વોલ્ટેજ મેચથી થશે જેમાં ગત સીઝનનો રિમેચ રમાશે: ડિફેન્ડિંગ ચેમ્પિયન દુબઈ કેપિટલ્સ ડેઝર્ટ વાઇપર્સ સામે ટકરાશે. આ રોમાંચક મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
આ વખતે પણ IPLની જેમ આ લીગમાં કુલ ૬ ટીમો ટાઇટલ માટે સ્પર્ધા કરશે. જેમાં અબુ ધાબી નાઈટ રાઇડર્સ, દુબઈ કેપિટલ્સ, ગલ્ફ જાયન્ટ્સ, ડેઝર્ટ વાઇપર્સ, MI અમીરાત અને શારજાહ વોરિયર્સનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટમાં કુલ ૩૪ મેચ રમાશે, જેમાં ૩૦ લીગ મેચ અને ૪ પ્લેઓફ મેચનો સમાવેશ થાય છે. પ્લેઓફ મેચો માટે અલગ-અલગ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે: ક્વોલિફાયર-૧ અબુ ધાબીમાં, ક્વોલિફાયર-૨ શારજાહમાં અને એલિમિનેટર તથા ફાઇનલ દુબઈમાં યોજાશે.
આ સીઝનનો સૌથી મોટો પડકાર દક્ષિણ આફ્રિકાની SA20 લીગ સાથેની ટક્કર હશે, જે ૨૬ ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. બંને લીગમાં ઘણા વિદેશી ખેલાડીઓ સમાન હોવાથી, હવે એ જોવું રસપ્રદ રહેશે કે કયા ખેલાડીઓ કઈ લીગને પ્રાધાન્ય આપે છે.
આ સિઝનમાં ભારતીય ક્રિકેટના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ મેદાનમાં ઉતરી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPL માંથી નિવૃત્તિ લીધા બાદ અશ્વિન હવે વૈશ્વિક T20 લીગમાં રમવા માટે તૈયાર હોવાનું મનાય છે. એવા અહેવાલો છે કે તેમણે ILT20 હરાજી માટે પોતાનું નામ નોંધાવવાનું વિચાર્યું છે. જો અશ્વિન આ લીગમાં રમે છે, તો તે ચાહકો માટે એક નવો રોમાંચક અનુભવ હશે.