રાજસ્થાનના ઉદયપુરમાં પર્યટન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનો દાવો છે કે દરજી કન્હૈયા લાલની હત્યાના કારણે પ્રવાસન ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે. આ ઘટનાને કારણે ઉદયપુરની મુલાકાતે આવતા પ્રવાસીઓએ આગામી બે મહિના માટે હોટલોમાં અડધાથી વધુ બુકિંગ કેન્સલ કરી દીધા છે. ઉદયપુરમાં મોટાભાગના લોકો માટે પ્રવાસન એ આજીવિકાનું મુખ્ય સાધન છે અને તેની સાથે સંકળાયેલા લોકોને ડર છે કે આ ઘટનાથી ઉદયપુરમાં પ્રવાસીઓની અવરજવરને મોટા પાયે અસર થઈ શકે છે. આ ઘટનાથી સપ્ટેમ્બરથી શરૂ થનારી પર્યટન સીઝન પર નકારાત્મક અસર પડશે.
ઉદયપુરના હોટેલ એસોસિએશનના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને કરોહી હવેલી હોટલના માલિક સુદર્શન દેવ સિંહે જણાવ્યું હતું કે, “આ ઘટના પછી લોકોએ એડવાન્સ બુકિંગ કેન્સલ કરવાનું શરૂ કર્યું. જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં ચોમાસાની સિઝન દરમિયાન, મારી પાસે સપ્તાહના અંતે સારી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હતા પરંતુ આ ઘટના બાદ છેલ્લા 5-6 દિવસ દરમિયાન આગામી 2 મહિના માટે 50 ટકાથી વધુ બુકિંગ કેન્સલ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે કોરોના વાયરસ રોગચાળાને કારણે પ્રવાસન ઉદ્યોગ પહેલાથી જ પ્રભાવિત હતો અને આ વર્ષે સારા વેપારની અપેક્ષા હતી પરંતુ આ ઘટનાએ ઉદયપુરની છબીને ખરાબ રીતે અસર કરી છે.
જયપુરમાં રાજસ્થાન એસોસિએશન ઓફ ટૂર ઓપરેટર્સના સેક્રેટરી સંજયે જણાવ્યું હતું કે, “ઉદયપુર ખૂબ જ શાંતિપૂર્ણ શહેર છે અને આજ સુધી આવો કોઈ જઘન્ય અપરાધ બન્યો નથી. આ માત્ર ઉદયપુર માટે જ નહીં પરંતુ સમગ્ર રાજસ્થાન માટે આંચકો છે જ્યાં પ્રવાસન એક મુખ્ય ઉદ્યોગ છે. ઉદયપુર આકર્ષક સ્થળો ઉપરાંત શાંતિપૂર્ણ વાતાવરણને કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતું પરંતુ આ ઘટનાની નકારાત્મક અસર પડી છે.
લીલીછમ જગ્યાઓ અને ટેકરીઓથી ઘેરાયેલું, ઉદયપુર એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે જે તળાવોના શહેર તરીકે ઓળખાય છે, જે તેના શાંત વાતાવરણ અને તળાવો માટે જાણીતું છે. દેશના પ્રવાસન નકશા પર તેને વિશેષ સ્થાન મળ્યું છે. તે હસ્તકલાનું કેન્દ્ર પણ છે.
ઉદયપુરની મુલાકાતે આવતા મોટાભાગના પ્રવાસીઓ જગદીશ ચોક, હાથી પોળ વિસ્તાર અને માલદાસ ગલીની મુલાકાત લે છે. મંગળવારે માલદાસ ગલી પાસે એક દુકાનમાં દરજી કન્હૈયા લાલની હત્યા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં મોટાભાગની હસ્તકલા, કાપડ અને ઝવેરાતની દુકાનો આવેલી છે.