કોલકાતામાં એક ગે કપલ લગ્નના બંધનમાં બંધાયું. લગ્નમાં તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. અભિષેક રે અને ચૈતન્ય શર્માએ એક ખાસ સમારંભમાં લગ્ન કર્યા. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિષેક રે કોલકાતા સ્થિત ડિઝાઇનર છે. તેણે પોતાના ખાસ મિત્ર ચૈતન્ય શર્મા સાથે શાસ્ત્રો અનુસાર મંત્રોચ્ચાર કરીને લગ્ન કર્યા. લગ્ન કોલકાતાની એક ફાઈવ સ્ટાર હોટલમાં થયા હતા.
આ લગ્નમાં સંગીત સેરેમનીથી લઈને સગાઈ અને હલ્દી અને મહેંદી સુધીની તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. બંને પરિવાર એક સાથે હતા અને તેઓએ ઉમળકાભેર દંપતીને આશીર્વાદ આપ્યા. ઈન્સ્ટાગ્રામ પર ગે કપલની હલ્દી અને લગ્ન સમારંભની તસવીરો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે. અભિષેકે પરંપરાગત બંગાળી વર તરીકે ધોતી અને કુર્તા પહેર્યા હતા, જ્યારે ચૈતન્યએ શેરવાની પહેરી હતી.
ચૈતન્યએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લગ્નની ઘણી તસવીરો પણ શેર કરી છે. સોશિયલ મીડિયા પર લોકો આ કપલને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. તસવીરોમાં બંનેની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં પ્રથમ સમલૈંગિક લગ્ન 2017માં થયા હતા. IIT રિશીએ વિયેતનામના વિન્હ સાથે લગ્ન કરીને ઈતિહાસ રચ્યો હતો. આ લગ્ન 30 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા.