ભારતીય વૈજ્ઞાનિકોને માનવ અને પ્રાણીઓ વચ્ચે ટીબીના ચેપના ફેલાવાને લગતા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને તમિલનાડુની નેશનલ ટ્યુબરક્યુલોસિસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NIRT) ના સંશોધકોએ TB ફેલાવામાં રિવર્સ ઝૂનોસિસ (માનવથી પ્રાણી અને પ્રાણીથી માનવ ટ્રાન્સમિશન)ના પુરાવાની પુષ્ટિ કરી છે.
એનઆઈઆરટીના ડો. એસ શ્રીરામે જણાવ્યું હતું કે ટીબીના દર્દીઓ એરોસોલ ઉત્પન્ન કરે છે જેના દ્વારા તે પ્રસારિત થાય છે. જ્યારે ટીબીના દર્દીઓ ખાંસી કે છીંક ખાય છે ત્યારે ઘણા બધા એરોસોલ ઉત્પન્ન થાય છે જે પ્રાણીઓ સહિત વિવિધ જીવો માટે જોખમનું કારણ બને છે.
ડો. એસ શ્રીરામે જણાવ્યું હતું કે, જ્યારે પશુઓ અથવા અન્ય કોઈપણ પાળતુ પ્રાણી આ એરોસોલ્સના સંપર્કમાં હોય છે, ત્યારે તેમને ચેપ લાગવાની શક્યતા રહે છે તેમજ પ્રાણીઓમાંથી આ ચેપ મનુષ્ય સુધી પહોંચી શકે છે. ચેન્નાઈમાં પશુપાલકો અને પ્રાણીઓમાં ટીબીના સંક્રમણના કેસ નોંધાયા છે.
ચેપ દૂધમાં પણ આવી શકે છે
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો પેશ્ચરાઇઝ્ડ દૂધ ન હોય અને તે પ્રાણીમાં ટીબીની સંભાવના હોય તો આ ચેપની અસર તેના દૂધમાં પણ થઈ શકે છે. અભ્યાસમાં આ જોખમને ટાળવા માટે પાશ્ચરાઈઝ્ડ દૂધના વપરાશની ભલામણ કરવામાં આવી છે.