સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ વ્હાઇટ હાઉસ રેસીડેન્સીમાં રહેતી એક મહિલાને સ્કૂલ બસે ટક્કર મારીને કચડી નાંખી હતી. મહિલા દુકાન પર સામાન લેવા જઈ રહી હતી, ત્યારે પાછળથી રિવર્સમાં આવતી સ્કૂલ બસે મહિલાને અડફેટે લીધી હતી. સ્કૂલ બસની ટક્કરથી મહિલા નીચે પડી ગઈ હતી. આગળનું ટાયર પાછળથી મહિલાના પગ પર ફરી વળ્યું. આથી મહિલાને પગ અને પાંસળીમાં ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. બીજી તરફ અમરોલી પોલીસે બસ ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
મોટા વરાછાના પનવેલ પોઈન્ટ પાસે આવેલ વ્હાઇટ હાઉસ રેસીડેન્સીમાં રહેતા નીતાબેન રજનીભાઈ ધનજીભાઈ સાખરેલીયા (ઉ.વ.42) ઘરેથી દુકાને ગયા હતા. દરમિયાન આશાદીપ સ્કૂલ બસ નંબર GJ 06 AX 0198 ના ચાલકે પાર્કિંગમાંથી રિવર્સમાં આવીને મહિલાને ટક્કર મારી હતી. જે બાદ ડ્રાઈવરે મહિલાને થોડે આગળ ખેંચી હતી.
મહિલા બસમાંથી નીચે પડી ગયા બાદ બસનું ટાયર મહિલા તરફ વળ્યું હતું અને મહિલાને નિતંબની વચ્ચે ફ્રેક્ચર થયું હતું. જમણી બાજુની એક પાંસળી અને ડાબી બાજુ સાત પાંસળીના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતને પગલે લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં મહિલાને સારવાર માટે લઈ જવામાં આવી હતી અને બસ ચાલક સામે અમરોલી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.