મધ્યપ્રદેશના એક ગામમાં લોકોએ મગરને બંધક બનાવી લીધો છે. બંધક બનાવેલા મગરોની ઘણી તસવીરો સામે આવી છે. જેમાં ગામલોકો નદીમાંથી મગરને બહાર કાઢી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યાં લોકોની ભારે ભીડ જામી છે. એક વિશાળ મગર પર કાબુ મેળવ્યા પછી, તેને દોરડાથી બાંધવામાં આવે છે. આટલું જ નહીં ગ્રામજનોએ તેના મોઢામાં લાકડી ફસાવી દીધી છે.
વાસ્તવમાં ગ્રામજનોનું કહેવું છે કે આ મગર એક બાળકને ગળી ગયો છે. નારાજ ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી તે બાળકને તેના પેટમાંથી બહાર નહીં કાઢે ત્યાં સુધી તેઓ તેને છોડશે નહીં.
ઘટના શ્યોપુર જિલ્લાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે રઘુનાથપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રિંજેન્ટા ગામ પાસે આવેલી ચંબલ નદીમાં 8-10 વર્ષનો એક માસૂમ નહાતો હતો. સોમવારે સાંજે 6 વાગ્યાની આસપાસ ગામલોકોએ છોકરાને નદી કિનારે રેતી પાસે જોયો હતો.
ગ્રામજનોનું કહેવું છે કે તેઓએ પોતે જોયું કે નદીમાંથી બહાર આવેલા એક મગર બાળકને પકડીને તેના જડબામાં દબાવીને પાણીની નીચે લઈ ગયો. આ પછી ગામલોકો નદીમાં ગયા અને મગરને પકડી લીધો. છોકરાનું નામ અતર સિંહ કેવત જણાવવામાં આવી રહ્યું છે.
ગામલોકો દ્વારા એક વિશાળ મગરને પકડવામાં આવતા અહી ચકચાર મચી ગઈ હતી. ગ્રામજનોનું ભારે ટોળું એકઠું થયું. ગ્રામજનોએ તેને દોરડાથી બાંધી દીધો છે. તેઓએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી મગર બાળકને તેના પેટમાંથી બહાર નહીં કાઢે ત્યાં સુધી તેઓ બાળકને છોડશે નહીં.
અહીં આ વાતની જાણ થતાં જ વનવિભાગ અને પોલીસ બંને એલર્ટ પર છે. ગ્રામજનો વચ્ચે પોલીસ હાજર છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે મગર બાળકને મારી શકે છે પરંતુ તેને ગળી શકતો નથી.