સુરત સહિત દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ઉપર ભારે વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉપરવાસમાં 21 રેઈન ગેજ સ્ટેશન પર સરેરાશ 1 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ઉકાઈની જળસપાટી સોમવારે સાંજે 6 કલાકે 321.03 ફૂટ નોંધાતા ડેમમાં 2,74,687 ક્યુસેકની આવક નોંધાઈ છે.
ઉકાઈ ડેમ ઉપર ભારે વરસાદને કારણે ડેમમાં નવું પાણી આવ્યું છે. બપોર સુધીમાં 1.5 લાખ ક્યુસેક અને બપોરે બે લાખ અને સાંજ સુધીમાં 2.5 લાખ ક્યુસેકથી વધુની આવક થતાં ડેમ ઓથોરિટી એલર્ટ બની છે. હાલ ડેમમાંથી તાપી નદીમાં માત્ર 4 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે કારણ કે ડેમની જળ સપાટી ભયજનક સપાટીથી ઘણી દૂર છે.
ઉકાઈ ડેમ ઉપર ભારે વરસાદ પડી રહ્યો છે. હથનૂર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. પરિણામે ઉકાઈ ડેમની પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉકાઈનું આજનું રૂલ લેવલ 333 ફૂટ છે. ઉકાઈ ડેમની સપાટીમાં છેલ્લા 3 દિવસમાં 3નો વધારો થયો છે, જેથી ખેડૂતોની સાથે-સાથે નાગરિકોને પણ પાણીની સમસ્યામાંથી રાહત મળે તેવી અપેક્ષા છે.
શનિવારે ડેમમાં 50 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી. રવિવાર સાંજથી પાણીની આવકમાં 1.20 લાખ ક્યુસેકનો વધારો થયો હતો. જ્યારે ઉપાડ એક હજાર ક્યુસેક છે. ડેમની સપાટી સામાન્ય સપાટીથી નીચે હોવાથી ડેમ ભરવામાં આવી રહ્યો છે. ઉકાઈ ડેમની જળસપાટી સવારે 8 કલાકે 77 હજાર ક્યુસેકની આવક સાથે 319.15 ફૂટ હતી, ડેમની જળસપાટી 1.5 લાખ ક્યુસેકની આવક સાથે બપોરે 2 કલાકે વધીને 320.25 ફૂટ થઈ હતી. ઉકાઈ ડેમમાં સાંજે 6 કલાકે 2.75 લાખ ક્યુસેક પાણીની આવક સાથે ડેમની જળસપાટી 321.03 ફૂટ નોંધાઈ છે. જેના કારણે છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 3 ફૂટથી વધુનો નોંધપાત્ર વધારો થયો છે. ઉકાઈ ડેમનું ડેન્જર લેવલ 345 ફૂટ છે, ડેમમાં પૂરતી જગ્યા હોવાથી ડેમ ઓથોરિટી 330 ફૂટ સુધી ડેમ ભરશે, ત્યાર બાદ ઉપરવાસમાં વરસાદને ધ્યાનમાં રાખીને આ અંગેનો વિચાર ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા અંગે વિચારણા કરવામાં આવશે. હાલમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં કેનાલ અને સિંચાઈ માટે 4 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.