દાળ અને ચોખાથી બનતી આ ખીરનો સ્વાદ એવો કે તમે આંગળા ચાટતા રહી જશો, ફટાફટ નોંધી લો બિહારની પ્રખ્યાત ‘મકુટી’ મીઠાઈની રેસીપી.
મકુટી: દાળ અને ચોખામાંથી માત્ર ખીચડી જ નહીં, પરંતુ મીઠાઈ પણ બને છે. બિહારમાં આ બે વસ્તુઓમાંથી જ સ્વાદિષ્ટ મીઠાઈ મકુટી તૈયાર કરવામાં આવે છે.
ઉત્તર ભારતમાં ચોખા, સેવ, સોજી અને ગાજર જેવી વસ્તુઓની ખીર બનાવવામાં આવે છે, પરંતુ બિહારના લોકો મગની દાળ અને ચોખામાંથી ખીર બનાવીને ખાય છે. આ મીઠાઈને મકુટી કહેવામાં આવે છે. મકુટી એ બિહારની એક પરંપરાગત મીઠાઈ છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ પણ છે. સૌથી ખાસ વાત એ છે કે તે મગની દાળ અને ચોખામાંથી બનાવવામાં આવે છે. ઘરે મહેમાન આવે ત્યારે તમે આ દાળ-ચોખામાંથી ડેઝર્ટ બનાવી શકો છો. આ ખીર સામે બીજી મીઠાઈઓ પણ ફીકી લાગશે. તો, ફટાફટ નોંધી લો મગની દાળ અને ચોખામાંથી બનતી ખીર મકુટીની રેસીપી.
મગની દાળ અને ચોખાની ખીર ‘મકુટી’ બનાવવા માટેની સામગ્રી:
આ માટે તમારે લગભગ 1 લિટર ફૂલ-ક્રીમ દૂધ, 3 મોટી ચમચી ધોયેલી મગની દાળ, દોઢ મોટી ચમચી ચોખા, 100 ગ્રામ માવો, 100 ગ્રામ ખાંડ, 8-10 કાપેલા બદામ, 8-10 કાપેલા કાજુ, થોડા કાપેલા પિસ્તા અને એલચી-કેસરના તાંતણા જોઈશે.
મગની દાળ અને ચોખાની ખીર ‘મકુટી’ બનાવવાની રેસીપી:
સ્ટેપ-1: આ ખીર બનાવવા માટે મગની દાળ અને ચોખાને ધોઈને એક કલાક માટે પાણીમાં પલાળી રાખો. પલાળ્યા બાદ દાળ અને ચોખાનું પાણી કાઢીને તેને કુકરમાં થોડું પાણી નાખીને એક સીટી વાગે ત્યાં સુધી પકાવો. ત્યારબાદ ધીમા તાપે વધુ 5 મિનિટ માટે પકાવો.
સ્ટેપ-2: જ્યારે કુકરમાંથી પ્રેશર નીકળી જાય, ત્યારે દાળ-ચોખાને સારી રીતે મેશ કરી લો. એક પેનમાં 1 લિટર દૂધ નાખીને ઉકાળવા મૂકો. કેસરના તાંતણાને એક ચમચી દૂધમાં નાખીને પલાળી દો. દૂધમાં ઉભરો આવ્યા બાદ તેને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.
સ્ટેપ-3: હવે તેમાં મેશ કરેલી દાળ-ચોખા નાખીને દૂધને ધીમા તાપે ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. હવે તેમાં મેશ કરેલો માવો અને કેસરને દૂધ સાથે મિક્સ કરો. જો માવો ન હોય તો તેની જગ્યાએ મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો અથવા તો દૂધને જ વધુ પ્રમાણમાં લઈને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.
સ્ટેપ-4: જ્યારે દૂધ ઘટ્ટ થઈ જાય, ત્યારે તેમાં ખાંડ અને એલચી નાખી દો. 2-3 મિનિટ વધુ પકાવ્યા બાદ ગેસ બંધ કરી દો અને મકુટીને કોઈ વાસણ અથવા બાઉલમાં કાઢી લો. તેમાં કાજુ, બદામ અને પિસ્તા નાખીને ગાર્નિશ કરો. તેને ફ્રિજમાં મૂકીને ઠંડી થયા બાદ સર્વ કરો.