પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? નિર્મલા સીતારમણે આપ્યો મોટો સંકેત, GST અંગે શું કહ્યું?
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં GST સ્લેબમાં કરાયેલા સુધારા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે સરકાર હંમેશા મોંઘવારીને નિયંત્રિત કરવા પ્રયાસરત છે અને આ નવા ફેરફારો સામાન્ય માણસને રાહત આપશે. નવા નિયમ મુજબ, હવે ફક્ત બે GST સ્લેબ, 5 ટકા અને 18 ટકા, લાગુ થશે, જ્યારે હાનિકારક અને સુપર લક્ઝરી વસ્તુઓ પર ખાસ 40 ટકા ટેક્સ વસૂલવામાં આવશે.
આ સુધારા અંગે નાણામંત્રીએ કહ્યું, “આ ફેરફારો સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. દૈનિક ઉપયોગની વસ્તુઓ પરના કરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી ખેડૂતો, કૃષિ અને આરોગ્ય ક્ષેત્રને ફાયદો થશે.”
પેટ્રોલ-ડીઝલ GSTના દાયરામાં?
નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા અંગે પણ સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું, “જ્યારે GST લાગુ કરવામાં આવ્યો, ત્યારે પેટ્રોલ અને ડીઝલનો તેમાં સમાવેશ કરાયો નહોતો. જોકે, અમે કાનૂની જોગવાઈ કરી હતી કે જો રાજ્યો સહમત થાય, તો પેટ્રોલ અને ડીઝલને પણ GSTમાં લાવી શકાય છે.”
હાલમાં, કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલ પર અલગ-અલગ કર વસૂલે છે, જેમાં રાજ્યો વેચાણ વેરો અથવા વેટ લાદે છે. જો પેટ્રોલ અને ડીઝલ GSTના દાયરામાં આવે, તો રાજ્યો તેમના કર માળખા પરનો નિયંત્રણ ગુમાવશે. જોકે, નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે જો તેને GSTના મહત્તમ 40 ટકાના સ્લેબ હેઠળ પણ લાવવામાં આવે, તો પણ તેના ભાવ હાલના 50 ટકાથી વધુના ટેક્સની સરખામણીમાં ઘટશે. આ નિર્ણય રાજ્યોની સર્વસંમતિ પર આધારિત રહેશે.