રથયાત્રાની આગલી રાત્રે પૂર્વ અમદાવાદમાં ફાયરિંગ (firing)કરી પોલીસની ઉંઘ હરામ કરનાર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. અમરાઈવાડી અને રામોલ વિસ્તારમાં ફાયરિંગ કરી હત્યાના પ્રયાસના ગુનામાં સામેલ કુખ્યાત આરોપી પોલીસની ગિરફતમાં આવ્યા છે.રામોલ પોલીસે બે દેશી કટ્ટા સાથે આ ગુનામાં સામેલ ત્રણ આરોપીઓને ઝડપીને ગેંગવોરને આગળ વધતા અટકાવી દીધી છે.
રામોલ પોલીસે શીલુ ખટીક, સંદિપ પાટીલ અને યોગેશ રાઠોડ નામના આરોપીઓની ધરપકડ કરી છે. રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રથયાત્રાની આગલી રાત્રે સોનુ પરિહાર નામના યુવક પર આડેધડ બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.જે ઘટનામાં ફરિયાદી આકાશ ઉર્ફે સોનું પરિહારને ભુપેન્દ્ર ઉર્ફે શીલું ખટીક સાથે અગાઉના ઝઘડાની અદાવત હોય, જેથી ભુપેન્દ્ર ઉર્ફે શીલું ખટીકે પોતાના મિત્ર સંદીપ પાટીલ સાથે મળીને પૂર્વ વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે સોનુ પરિહારને મારવાનો પ્લાન બનાવ્યો હતો અને બે ટુ વહીલર અને એક કારમાં પોતાના સાગરીતોને લઈ રામોલ પહોંચ્યા હતા જ્યાં સોનુ પરિહાર પર ભુપેન્દ્ર ઉર્ફે શિલુ ખટીકે ફાયરિંગ કરતા સોનું અને તેના મિત્રોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. અને એક ગાડીમાં બેસી જતા આરોપી સંદીપ પાટીલે પણ પોતાની પાસેના હથિયારથી તે ગાડી ઉપર પણ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને જે બાદ બંને આરોપીઓ નાસી ગયા હતા.
આ ઘટના અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર આરોપીઓને ઝડપવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી હતી. જો કે તે જ સમયગાળા દરમિયાન અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં રામોલના ફરિયાદી સોનું પરિહારના પિતાએ આજ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં રામોલમાં કરવામાં આવેલી ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે આરોપીઓએ ફરિયાદીના પિતાને ધમકી આપી સમાધાન નહીં કરે તો ગોળી મારીને હત્યા કરવાની પણ ધમકી આપી હતી.
આ મામલે બે અલગ અલગ ફરિયાદ નોંધાતા પોલીસની અલગ અલગ ટીમો આરોપીઓને શોધવાના કામે લાગી હતી. આ ઘટના બાદ ગુનામાં સામેલ મુખ્ય બે આરોપીઓ સહિત ત્રણેય આરોપીઓ ઉત્તરપ્રદેશ ભાગી ગયા હતા જોકે ત્યાંથી ગુજરાતમાં પરત આવી રહ્યા હતા અને હિંમતનગરથી ચિલોડા સર્કલ તરફ પસાર થવાના હોવાની બાતમી રામોલ પોલીસને મળતા રામોલ પોલીસે કારમાં સવાર ભુપેન્દ્ર ઉર્ફે શીલું ખટીક દેવીદાસ ઉર્ફે સંદીપ પાટીલ અને યોગેશ રાઠોડની ધરપકડ કરી છે.આરોપીઓની ગાડીમાંથી પોલીસે બે દેશી કટ્ટા અને પાંચ કારતુસ કબજે કર્યા છે.
આ ગુનામાં પકડાયેલા મુખ્ય આરોપીઓમાં શીલુ ખટીક અને સંદીપ પાટીલ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી અનેક ગુનાઓ નોંધાયેલા હોય જેથી પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે. મહત્વનું છે કે આરોપીઓની અંગત અદાવત ગેંગવોરમાં પરિણમી હતી.તેવામાં પોલીસે હથિયારો સાથે પૂર્વ વિસ્તારમાં પોતાની ધાક જમાવવાનો પ્રયાસ કરનારા બંને આરોપીઓને ઝડપી જેલ હવાલે કરતા હાલ તો પૂર્વ અમદાવાદમાં ગેંગવોરનો સફાયો થતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે.