ચોમાસું સક્રિય, નર્મદા ડેમના દરવાજા ખોલાયા: ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ યથાવત
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ પણ આ સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, આગામી ત્રણ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, જેમાં અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
ભારે અને મધ્યમ વરસાદની આગાહી:
હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યાં પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. આ ઉપરાંત, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જેવા અનેક જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા છે.

વહીવટી તંત્ર એલર્ટ, ડેમમાંથી પાણી છોડાયું:
વરસાદી સિસ્ટમ સક્રિય થતા, આજે સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને અન્ય સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી 269 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
પંચમહાલમાં ધોધમાર વરસાદને પગલે પાનમ ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે, અને નર્મદા ડેમના 15 દરવાજા પણ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં સતત વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો થવાની સંભાવના છે. આથી, નર્મદા નદી કિનારે આવેલા વડોદરાના શિનોર અને કરજણ તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ભારે વરસાદના કારણે રાજ્યમાં 85 રસ્તાઓ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે, જેમાં ચાર સ્ટેટ અને બે નેશનલ હાઈવે હજુ પણ બંધ છે. સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સતત કાર્યરત છે.

