મંગળવારે સાંજે પૂર્વ મંત્રી ઉદય સામંતના વાહન પર કથિત હુમલાના કલાકો બાદ મહારાષ્ટ્રની પુણે પોલીસે શિવસેનાના શહેર એકમના પ્રમુખ સંજય મોરે સહિત છ લોકોની ધરપકડ કરી છે. મોરે ઉપરાંત, અન્ય શંકાસ્પદોમાં કાત્રજમાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેની રેલીના આયોજક સંભાજી થોરવે, પક્ષના કાર્યકરો રાજેશ પાલસ્કર, ચંદન સાલુંખે, સૂરજ લોખંડે અને રૂપેશ પવારનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા તમામ લોકો ઉદ્ધવ ઠાકરે કેમ્પના વફાદાર છે.
પોલીસ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા, મોરેએ કહ્યું, “આદિત્ય ઠાકરેની જાહેર સભા ભારે હિટ હતી, તેથી પોલીસે શિવસૈનિકો સામે કાર્યવાહી કરી છે.” આદિત્ય ઠાકરેની રેલી પૂરી થયા બાદ સામંત પર હુમલો કરવામાં આવ્યો હતો. આક્રમક શિવસૈનિકોએ રસ્તો રોકી દીધો હતો.
સામંત એકનાથ શિંદે કેમ્પના વફાદાર તાનાજી સામંતના ઘરે જવા નીકળ્યા હતા. પૂણેના કાત્રજ વિસ્તારમાં તેની એસયુવી પહોંચતા જ તેના પર પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન આગળની સીટ પર બેઠેલા સામંતનો આબાદ બચાવ થયો હતો. જો કે સામંતની એસયુવીની પાછળની બારી સંપૂર્ણપણે તૂટી ગઈ હતી.
તમને જણાવી દઈએ કે સામંત ઉદ્ધવ ઠાકરેની સરકારમાં મંત્રી હતા. જૂનમાં શિવસેનામાં બળવો કરનારા 40 ધારાસભ્યોમાં તેઓ સામેલ હતા અને શિંદે કેમ્પમાં જોડાયા હતા.
ભારતીય દંડ સંહિતાની કલમ 307 હેઠળ ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં 15 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. શરૂઆતમાં સામંતે કોથરુડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જો કે મામલો ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ ઘટના એ જ પોલીસ સ્ટેશનની હદમાં બની હતી.
સામંતે કહ્યું, “મને કટરામાં ટ્રાફિક સિગ્નલ પર રોકવામાં આવ્યો હતો. મારી પાછળ બે-ત્રણ વાહનો હતા. લોકો બહાર આવ્યા અને મારા પર હુમલો કર્યો. હુમલાખોરો લાકડીઓ અને પથ્થરો લઈને આવ્યા હતા.” હુમલા બાદ મુખ્યમંત્રી શિંદેએ કહ્યું હતું કે પોલીસ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરશે.
ભીડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સામંત આગળની સીટ પર બેઠા છે. ભીડ સામંત અને સીએમ શિંદે વિરુદ્ધ ‘દેશદ્રોહી’ જેવા નારા લગાવતી જોવા મળે છે.