ગુજરાતમાં ભારે વરસાદ: લખપત અને રાપરમાં ૫ ઈંચ, ૬૩ તાલુકામાં મેઘ મહેર
ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ભારે વરસાદ નોંધાયો છે. બપોરે ૨ વાગ્યા સુધીમાં કુલ ૬૩ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લાના લખપત અને રાપર તાલુકામાં ૫-૫ ઈંચ નોંધાયો છે.
કયા વિસ્તારોમાં કેટલો વરસાદ?
કચ્છ: લખપત અને રાપરમાં સૌથી વધુ ૫ ઈંચ. ગાંધીધામ અને ભચાઉમાં ૩.૫ ઈંચ, નખત્રાણામાં ૩ ઈંચ, ભુજમાં ૨.૭૫ ઈંચ, અંજારમાં ૨.૫ ઈંચ, અબડાસામાં ૧.૫ ઈંચ, અને માંડવી-મુંદ્રામાં ૧ ઈંચ વરસાદ પડ્યો છે.
બનાસકાંઠા: ભાભરમાં ૪ ઈંચ, સાંતલપુરમાં ૩ ઈંચ, રાધનપુરમાં ૨.૫ ઈંચ, દિયોદરમાં ૨ ઈંચ, થરાદ-વાવમાં ૧.૨૫ ઈંચ અને ધાનેરામાં ૧ ઈંચ વરસાદ નોંધાયો છે.
મોરબી: માળિયામાં ૨.૨૫ ઈંચ અને મોરબી-હળવદમાં ૧-૧ ઈંચ વરસાદ થયો છે.
વરસાદને કારણે ૩૩૯ રોડ બંધ
રાજ્યમાં ભારે વરસાદને કારણે વાહનવ્યવહારને અસર થઈ છે. કુલ ૩૩૯ રસ્તાઓ બંધ થયા છે, જેમાં ૨ નેશનલ હાઈવે, ૧૨ સ્ટેટ હાઈવે અને ૩૧૦ પંચાયત હસ્તકના રસ્તાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વલસાડમાં ૪૦, મહીસાગરમાં ૩૯, નવસારીમાં ૩૩, અને તાપી-સુરતમાં ૨૮-૨૮ રસ્તાઓ બંધ છે. સાબરકાંઠાના હિંમતનગર-ધનસુરા સ્ટેટ હાઈવે પર પણ પાણી ભરાયા છે, જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.
આગામી દિવસોની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ સુધી કચ્છમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ રહેશે. જોકે, અન્ય વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, વલસાડ, તાપી, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, નર્મદા અને સુરત જેવા જિલ્લાઓમાં વરસાદનું જોર ઓછું રહેશે.