ટ્રમ્પનું બેવડું વલણ: પીએમ મોદી સાથે વાતચીત કરવાની ઈચ્છા, પરંતુ ભારત પર 100% ટેરિફની અપીલ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર પોતાના વિરોધાભાસી નિવેદનોથી સૌને ચોંકાવી દીધા છે. એક તરફ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટૂંક સમયમાં વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી, જ્યારે બીજી તરફ યુરોપિયન યુનિયન (EU) પાસે ભારત અને ચીન પર 100% ટેરિફ લગાવવાની અપીલ કરી.
EUને અપીલ
વોશિંગ્ટનમાં આયોજિત અમેરિકા-EUના વરિષ્ઠ અધિકારીઓની બેઠક દરમિયાન ટ્રમ્પે ફોન પર વાતચીત કરી. આ બેઠકમાં રશિયાનું ફંડિંગ રોકવા અને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટેના પગલાં પર ચર્ચા થઈ રહી હતી. ટ્રમ્પે કહ્યું કે યુરોપ અને અમેરિકાએ સાથે મળીને ભારત અને ચીન જેવા દેશો પર 100% સુધી ટેરિફ લગાવવો જોઈએ, કારણ કે આ બંને રશિયા પાસેથી મોટા પાયે ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યા છે. તેમનું કહેવું છે કે આવું પગલું રશિયા પર દબાણ બનાવવા અને યુદ્ધને ઝડપથી સમાપ્ત કરવા માટે જરૂરી છે.
ભારત અને ચીન પર વધી શકે છે શુલ્ક
નોંધનીય છે કે ટ્રમ્પ પહેલાથી જ ભારત પર 50% અને ચીન પર 30% ટેરિફ લગાવી ચૂક્યા છે. હવે જો તેમનો પ્રસ્તાવ લાગુ થશે તો ભારતથી અમેરિકામાં થતી નિકાસ વધુ મોંઘી થઈ જશે. આનાથી બંને દેશોના વેપારી સંબંધો પર ઊંડી અસર પડી શકે છે. ટ્રમ્પની આ માંગ એવા સમયે આવી છે જ્યારે વ્હાઇટ હાઉસ યુક્રેન યુદ્ધને લઈને ઉકેલ શોધવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.
મોદી સાથે વાતચીતની આશા
રસપ્રદ વાત એ છે કે ટ્રમ્પે તાજેતરમાં જ પીએમ મોદી અને ભારત સાથેના સંબંધો વિશે સકારાત્મક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર અવરોધો દૂર કરવા માટે વાતચીત ચાલુ છે અને આવનારા સપ્તાહોમાં તેઓ મોદીને મળવા ઉત્સુક છે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે તેઓ પીએમ મોદી સાથે વાતચીત કરવા અને બંને દેશો વચ્ચેના વેપાર કરારને આગળ વધારવા માટે આતુર છે.
વિરોધાભાસી નિવેદન થી મૂંઝવણ
ટ્રમ્પના તાજેતરના નિવેદનોએ સૌને મૂંઝવણમાં મૂકી દીધા છે. એક તરફ તેઓ મોદીને “સારા મિત્ર” ગણાવે છે અને સંબંધો મજબૂત કરવાની વાત કરે છે, જ્યારે બીજી તરફ ભારત પર ભારે ટેરિફ લગાવવાની અપીલ કરે છે. વિશ્લેષકોનું કહેવું છે કે ટ્રમ્પનું આ વલણ તેમના ચૂંટણી અને રાજકીય એજન્ડાનો ભાગ પણ હોઈ શકે છે, જ્યાં તેઓ સ્થાનિક ઉદ્યોગોને ખુશ કરવા માટે કડક આર્થિક પગલાંની વાત કરે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગની છબી રજૂ કરે છે.
એ સ્પષ્ટ છે કે ટ્રમ્પનું બેવડું વલણ ભારત-અમેરિકાના સંબંધો માટે નવા પ્રશ્નો ઊભા કરી રહ્યું છે. એક તરફ તેઓ મિત્રતા અને વાતચીતની વાત કરે છે, તો બીજી તરફ કડક આર્થિક નિર્ણયોથી દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.