ગુજરાતના વર્ષ ૨૦૦૨ ના કોમી રમખાણો દરમિયાન બિલ્કીશબાનો પરના ગેંગરેપ અને તેણીના પરિવારજનોના ૭ સભ્યોની હત્યાના કેસમાં ૧૧ ગુનેગારોને 15 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારે જેલ મુક્ત કર્યા હતા જેને લઇ આ નિર્ણયની કોંગ્રેસ ત્રણેય મુસ્લિમ ધારાસભ્ય દ્રારા સખત ટીકા કરવામાં આવી હતી અને ખૂબ જ આઘાતજનક નિર્ણય ગણાવ્યુ હતુ. આથી અમે ગુજરાતના ત્રણેય ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, મુહમ્મદ જાવેદ પીરઝાદા અને ઇમરાન ખેડાવાલા આ કેસમાં તાત્કાલિક મધ્યસ્થી કરી ગુનેગારોને માફી આપવાના આ શરમજનક નિર્ણયને પરત ખેંચવા કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકાર ને સુચના આપવા દર્દભરી અપીલ કરી છે.
આ અંગે દેશના રાષ્ટ્રપતિ સંબોધીન પત્ર લખતા જણાવ્યુ કે, લાચાર અને નિઃસહાય સર્ગભા મહિલા બિલ્કીશબાનો પર ગેંગરેપ અને તેના પરિવારજનોના સાત સભ્યોની હત્યા કરનારા દોષિતો ને સ્વાતંત્ર્ય પર્વના મહાન પ્રસંગે આજીવન કેદની સજામાંથી મુક્તિ આપીને છોડી મુકવાના ગુજરાતની ભાજપ સરકારના શરમજનક નિર્ણયથી આ દિવસ કલંકિત થઈ ગયો છે. કેન્દ્ર સરકારની સ્પષ્ટ માર્ગદર્શિકા છે કે આજીવન કારાવાસની સજા ભોગવતા ગુનેગારો અને બળાત્કારીઓને માફી નીતિ અંતર્ગત છોડી મૂકવા જોઈએ નહીં, તેમછતાં ગુજરાતની ભાજપ સરકારે બિલ્કીશબાનો પરના ગેંગરેપ કેસના સાત ગુનેગારોને માફી આપી છોડી મુકી પોતાની અસંવેદનશીલતા છતી કરી છે. આ નિર્ણય ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા લોકોને હતાશ કરનારો છે.
ત્રણે ધારાસભ્યોએ રાષ્ટ્રપતિના પત્ર લખતા જણાવ્યુ કે માનનીય રાષ્ટ્રપતિ, આપ પણ એક મહિલા છો અને મહિલાઓના દર્દને, તેમની વ્યથા ને તથા તેમની પીડાને સારી રીતે સમજી શકો તેમ છો. બિલ્કીશબાનો પર ગેંગરેપ કરાયો ત્યારે તેઓ પાંચ મહિનાની ગર્ભવતી હતી. ત્યારબાદ તેણીની નજર સામે જ તેની ત્રણ વર્ષની દીકરી સહિત પરિવારના ૭ સભ્યો ની ખૂબ જ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આવા ગુનેગારોને તો સક્ષમાં સભ્ય સજા કરી નસીહત કરવી જોઈએ. તેના બદલે ઉલટાનું ગુજરાતની ભાજપ સરકાર દ્વારા આવા જધન્ય અપરાધના ગુનેગારોને માફી આપી છોડી મૂકવામાં આવ્યા છે, તેમાંય ચોંકાવનારી બાબત તો એ છે કે કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકો દ્વારા આવા ગુનેગારોની મુક્તિથી ખુશી મનાવી તેમનું સન્માન કરવામાં આવે છે. જે માનવતાને લાજે તેવું કૃત્ય છે. ગુજરાત સરકારનું આ પગલું ખતરનાક પરંપરા બની જાય તે પહેલાં તેને રોકવું જરૂરી છે.
આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જ્યારે મહિલા સન્માનની વાતો કરતા હોય ત્યારે તેમના જ રાજ્ય ગુજરાતની ભાજપ સરકાર દ્વારા એક લાચાર, નિઃસહાય અને સગભા મહિલા પર ગેંગરેપ કેસના ગુનેગારોને માફી આપી છોડી મૂકવાનો નિર્ણય લેવામાં આવે તે વધુ આઘાતજનક છે.
આથી અમે ગુજરાતના ત્રણેય ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, મુહમ્મદ જાવેદ પીરઝાદા અને ઇમરાન ખેડાવાલા આપને દર્દભરી અપીલ કરીએ છીએ કે આ મામલે આપ દરમિયાનગીરી કરી ૧૧ બળાત્કારીઓને છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણય પર પુનઃ વિચારણા કરી માફીનો નિર્ણય પરત ખેંચવા કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકારને દિશાનિર્દેશ આપો, જેથી નાગરિકો કાયદા પ્રત્યે પોતાનો વિશ્વાસ ન ગુમાવે તેમજ બળાત્કારનો ભોગ બનેલી બિલ્ડીશબાનો એ જે સહન કર્યું છે તેવું અન્ય મહિલાઓને સહન કરવાનો વારો ન આવે.