મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ રાત-દિવસ ચાલી રહ્યું છે. દરમિયાન 1 કિલોમીટરનો સતત વાયડક્ટ પૂર્ણ થયો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે આ માહિતી આપી હતી. તેણે ટ્વિટર પર તેનો એક વીડિયો પણ શેર કર્યો છે.
તમને જણાવી દઈએ કે બુલેટ ટ્રેન આગામી વર્ષ એટલે કે 2023માં દોડવાની હતી, પરંતુ મહારાષ્ટ્રમાં જમીન અધિગ્રહણની ધીમી ગતિને કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. પરંતુ હવે બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વીડિયો ટ્વીટ કરીને કહ્યું કે, ‘MAHSR (મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર) એ વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો. મેડ ઈન ઈન્ડિયા હેઠળ ફુલ સ્પાન ગર્ડર લોન્ચર્સ દ્વારા પ્રથમ 1 કિમી સતત વાયડક્ટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
તાજેતરમાં જ ભારતીય રેલ્વેએ ટ્વીટ કર્યું હતું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કેટલું કામ પૂર્ણ થયું છે. રેલવેએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે લગભગ 98.8 ટકા જમીન સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયું છે. સાથે જ 162 કિલોમીટર લાંબા રૂટમાં પાઈલીંગનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. રેલવેએ વધુમાં જણાવ્યું કે પ્રોજેક્ટના 79.2 કિમી સુધીના પિયરનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે.
MAHSR achieves another milestone!
The first 1 Km of continuous viaduct is completed through #MadeInIndia Full Span girder launcher. pic.twitter.com/UT0pRAfdmp
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 20, 2022
તમને જણાવી દઈએ કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 508.17 કિલોમીટરનો છે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ 14 સપ્ટેમ્બર 2017 ના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડા પ્રધાન શિન્ઝો આબે દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ રૂ. 1.10 લાખ કરોડનો છે.આ રેલ રૂટમાં ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં 12 રેલવે સ્ટેશન હશે જેમાં ગુજરાતના 8 અને મહારાષ્ટ્રના 4 સ્ટેશનનો સમાવેશ થાય છે.