ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન શુભમન ગિલે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી વનડેમાં ધમાકેદાર સદી ફટકારી હતી. શુભમન ગિલની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં આ પ્રથમ સદી છે. શુભમન ગિલે માત્ર 82 બોલમાં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી પૂરી કરી હતી. શુભમન ગિલ 97 બોલમાં 130 રન બનાવીને આઉટ થયો હતો.
શુભમન ગિલની 130 રનની તોફાની ઇનિંગમાં 1 સિક્સ અને 15 ફોરનો સમાવેશ થાય છે. 22 વર્ષીય યુવા ભારતીય બેટ્સમેન શુભમન ગીલે પોતાની ODI કારકિર્દીની 9મી મેચમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. શુભમન ગીલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 1000 રન પણ પૂરા કર્યા છે. શુભમન ગિલની બેટિંગમાં પણ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ જેવો વર્ગ જોવા મળ્યો છે.
આ ઈનિંગ દરમિયાન શુભમન ગીલે જે રીતે શોટ્સ માર્યા તેના કારણે દરેક તેના ફેન બની ગયા. શુભમન ગિલે અત્યાર સુધી 9 વનડેમાં 1 સદી અને 3 અડધી સદીની મદદથી 499 રન બનાવ્યા છે. શુભમન ગિલ વનડેમાં 70થી વધુની એવરેજ ધરાવે છે.
શુભમન ગિલ ગયા મહિનાની શરૂઆતમાં વિન્ડીઝ પ્રવાસ પર ODI સદી ફટકારવાની નજીક હતો, પરંતુ કમનસીબે વરસાદને કારણે તે તેની સદી પૂરી કરી શક્યો ન હતો. જોકે, 22 ઓગસ્ટના રોજ શુભમન ગિલે ઝિમ્બાબ્વે સામે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. શુભમન સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસાઓ લૂંટી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે શુભમન ગિલ એ ટીમનો ભાગ હતો જેણે 2018માં અંડર 19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ડિસેમ્બર 2018માં, શુભમન ગિલે તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 268 રનની સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી.