ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામેની શ્રેણી ધમાકેદાર સ્ટાઈલમાં જીતી હતી. ટીમ ઈન્ડિયા તરફથી બોલરો અને બેટ્સમેનોએ શાનદાર રમત બતાવી. શુભમન ગિલ ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. ત્રીજી વનડે મેચમાં ભારતે 13 રને રોમાંચક જીત નોંધાવી અને આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું. આ પછી ભારતીય ખેલાડીઓ એક ગીત પર જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
શિખર ધવને શાનદાર શ્રેણી જીત્યા બાદ આખી ટીમનો ખુલ્લેઆમ ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેમાં તમામ ખેલાડીઓ ઉજવણી કરતા જોવા મળે છે. જેમાં ભારતીય ખેલાડીઓ ‘કાલા ચશ્મા’ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. કેએલ રાહુલ આ વીડિયોની શરૂઆત કરે છે. તે પછી તેઓ બાજુ પર જાય છે. ત્યારબાદ ઈશાન કિશન જબરદસ્ત સ્ટેપ કરતો જોવા મળે છે અને બાકીના ખેલાડીઓ તેને ફોલો કરે છે.
વીડિયોમાં શિખર ધવને પણ કાળા ચશ્મા પહેર્યા છે અને તમામ ખેલાડીઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. વીડિયોમાં કેએલ રાહુલ, ઈશાન કિશન, શુભમન ગિલ, કુલદીપ યાદવ, અવેશ ખાન, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, શાહબાઝ અહેમદ, રાહુલ ત્રિપાઠી અને ઋતુરાજ ગાયકવાડ પણ દેખાઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બાદમાં શિખર ધવન પણ ભાંગડા કરે છે.
ત્રીજી વનડેમાં ભારતનો 13 રને વિજય થયો હતો. સિકંદર રઝાએ ઝિમ્બાબ્વે માટે તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું, છઠ્ઠી ઇનિંગ્સમાં તેની ત્રીજી સદી ફટકારીને ઝિમ્બાબ્વેને જીત તરફ લઈ ગયો, પરંતુ તે 290 રનના લક્ષ્યનો પીછો કરતા ઝિમ્બાબ્વેને આગળ લઈ શક્યો નહીં. અગાઉ, શુભમન ગિલે ભારત માટે તોફાની ઇનિંગ્સ રમી હતી, જેમાં તેણે 130 રન બનાવ્યા હતા અને વનડે ક્રિકેટમાં તેની પ્રથમ સદી ફટકારી હતી. આ સાથે જ ઈશાન કિશને 50 રન બનાવ્યા હતા.