એશિયા કપની શરૂઆત પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે મંગળવારે આ વાતની પુષ્ટિ કરી. ભારત 28 ઓગસ્ટે એશિયા કપમાં પોતાની પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. દ્રવિડને કોરોના સંક્રમિત મળ્યા બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું નિવેદન આવ્યું છે. શાસ્ત્રીએ કહ્યું છે કે દ્રવિડના કોરોના પોઝિટિવ જવાથી ભારતીય ટીમને બહુ ફરક પડશે નહીં. ભારતીય ટીમ હવે શરૂઆતની મેચોમાં કોચ દ્રવિડ વગર જશે. હાલ તે દુબઈ જઈ શકશે નહીં.
શાસ્ત્રીએ મંગળવારે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “સૌથી પહેલા હું કહીશ કે હવે તેને કોરોના ન કહો, તે માત્ર એક ફ્લૂ છે. દવા લીધા બાદ તે ઠીક થઈ જશે અને આશા છે કે ભારત અને પાકિસ્તાન મેચ પહેલા ટીમ સાથે હશે.
જોકે, સારા સમાચાર એ છે કે કોવિડનો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ રાહુલ દ્રવિડ ટીમમાં સામેલ થઈ શકશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ એશિયા કપમાં ભાગ લેવા માટે આજે UAE પહોંચશે.
શાહે જારી કરેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ એશિયા કપ 2022 માટે UAE જાય તે પહેલા નિયમિત ટેસ્ટમાં કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. દ્રવિડ BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે અને તેનામાં હળવા લક્ષણો છે. નેગેટિવ કોવિડ-19 રિપોર્ટ આવ્યા બાદ તે ટીમમાં જોડાશે. ભારતીય ટીમ 23 ઓગસ્ટ 2022ના રોજ સંયુક્ત આરબ અમીરાતમાં એસેમ્બલ થશે.