ગુજરાતી ગદ્યના પ્રણેતા વિર નર્મદના જન્મ દિવસ 24 ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ જૂની પાદરડી પ્રા.શાળા ખાતે શાળા પરિવાર દ્વારા વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આચાર્યશ્રી જસવંતસિંહ બારીઆએ પ્રાસંગીક ઉદ્દબોધન કરી ડૉ.કલ્પેશ આર.પરમારને આવકાર્યા હતા. ત્યારબાદ ડૉ.કલ્પેશ આર.પરમારે ગુજરાતી ભાષાના સર્જકોના સાહિત્યની ચર્ચા કરી જ્ઞાનપીઠ એવોર્ડ મેળવેલ સર્જકો ઉમાશંકર જોશી (નિશિથ – કાવ્ય સંગ્રહ – ૧૯૬૭), પન્નાલાલ પટેલ (માનવીની ભવાઈ – નવલકથા – ૧૯૮૫), રાજેન્દ્ર શાહ (ધ્વનિ – કાવ્ય સંગ્રહ – ૨૦૦૦), રઘુવીર ચૌધરી (અમૃતા અને સમગ્ર સાહિત્ય માટે – ૨૦૧૫) ₹.૧૧/- લાખનો ચેક, સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર તેમજ ગુજરાતી ભાષાનું મહત્ત્વ સમજાવ્યું હતું.
શાળા કુલ 169 વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા પ્રત્યે રસરુચિ વિકસે તેવા શુભ આશયથી ડૉ.કલ્પેશ આર.પરમાર દ્વારા ધો.1 અને 2 માં મેનિયા કલર, ધો.3 થી 4 માં નોટ પેન તેમજ ધો.5 થી 8 માં ચોપડા અને પેન પ્રાર્થના સભામાં જ સપ્રેમ ભેટ આપ્યા હતા. તેમજ સૌને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. બોર્ડ શુશોભન કાર્ય શુશીલાબેન પટેલ, સમગ્ર સંચાલન ભાનુભાઈ પટેલ, ફોટોગ્રાફી રણજીતસિંહ બારીઆ તેમજ વિતરણ સહયોગ કવિતાબેન ડીંડોર અને ઈલાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને તિથિ ભોજનમાં બુંદી, પુરી, દાળ ભાત શુદ્ધ ગુણવત્તા સભર આપવામાં આવ્યું હતું. સૌને માટે આજનો દિવસ પ્રેરણાદાયી બની રહ્યો હતો.