પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે અત્યાર સુધીમાં 937થી વધુ લોકોના મોત થયા છે. આ પછી, પાડોશી દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સતત ચોમાસાના વરસાદને માનવીય સંકટ ગણાવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા સંકલિત કરવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, 14 જૂનથી સિંધ પ્રાંતમાં પૂર અને વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે સૌથી વધુ 306 મૃત્યુ નોંધાયા છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે પાકિસ્તાનમાં 241 ટકા વધુ વરસાદ થયો છે. આ વર્ષે ઓગસ્ટમાં સરેરાશ 48 મીમીની સામે 166.8 મીમી વરસાદ નોંધાયો છે.
ક્લાઈમેટ ચેન્જ મિનિસ્ટર શેરી રહેમાને સ્વીકાર્યું કે અવિરત વરસાદને કારણે રાહત કામગીરી હાથ ધરવી મુશ્કેલ બની ગઈ છે. વડાપ્રધાન દ્વારા NDMAમાં વોર રૂમ પણ બનાવવામાં આવ્યો છે.
2010ના વિનાશક પૂર સાથે વર્તમાન પરિસ્થિતિની સરખામણી કરતા રહેમાને આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે છેલ્લા કેટલાક સપ્તાહમાં પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને કારણે 30 મિલિયનથી વધુ લોકો પ્રભાવિત થયા છે.
તે જ સમયે, યુનાઇટેડ નેશન્સ એજન્સી ઓફિસ (OCHA) એ એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 82,000 થી વધુ ઘરોને નુકસાન થયું છે અને 150 કિલોમીટરના રસ્તાઓને નુકસાન થયું છે.