એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થવા માટે હોંગકોંગે સંયુક્ત આરબ અમીરાત (UAE) ને આઠ વિકેટે હરાવી, જ્યાં તેને ભારત અને પાકિસ્તાન જેવી મોટી ટીમો સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. હોંગકોંગે ક્વોલિફાયરની અંતિમ મેચમાં ટોચના દાવેદાર સંયુક્ત આરબ અમીરાતને હરાવ્યું હતું. ચાર ટીમોની ઈવેન્ટમાં હોંગકોંગ એકમાત્ર એવી ટીમ છે જે એકપણ મેચ હારી નથી. ટીમે સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને સિંગાપોરને હરાવીને મુખ્ય ડ્રોમાં ક્વોલિફાય કર્યું હતું.
એશિયા કપ માટે ક્વોલિફાય થયા બાદ હોંગકોંગના ખેલાડીઓએ જોરદાર ઉજવણી કરી હતી. ટીમના ખેલાડીઓએ ભારતીય ગીત ‘કાલા ચશ્મા’ પર જોરદાર ડાન્સ કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. અગાઉ, કેએલ રાહુલની આગેવાની હેઠળની ભારતીય ટીમે પણ ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યા બાદ આ જ ગીત પર ડાન્સ કર્યો હતો.
હોંગકોંગે ક્વોલિફાયરમાં તેની ત્રણેય મેચ જીતી હતી અને છ પોઈન્ટ સાથે ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેણે બીજી વખત એશિયા કપમાં જગ્યા બનાવી છે. અગાઉ તે 2018માં પણ આ સ્પર્ધાનો ભાગ હતો. UAEમાં 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં હોંગકોંગનો મુકાબલો 31 ઓગસ્ટે ભારત અને 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે થશે.