ઈન્ડિયા પોસ્ટ તેના ગ્રાહકોને વધુ સારી સેવા આપવા માટે નવી યોજનાઓ બનાવી રહી છે. તે સરકારી સેવાઓને લોકોના ઘર સુધી પહોંચાડવા પ્રોજેક્ટ્સ અને ટેક્નોલોજીઓ પર કામ કરી રહી છે. ઉપરાંત, ઈન્ડિયા પોસ્ટ આ વર્ષે 10,000 નવી પોસ્ટ ઓફિસ ખોલવાની યોજના પર કામ કરી રહી છે.
પોસ્ટ વિભાગના સચિવ અમન શર્માએ CII કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સરકારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોસ્ટ ઓફિસના આધુનિકીકરણ માટે વિભાગને રૂ. 5,200 કરોડ આપ્યા છે. શર્માએ કહ્યું કે અમે તાજેતરમાં ગુજરાતમાં ડ્રોન દ્વારા ડિલિવરી પૂરી કરી છે. તેમણે કહ્યું કે સરકારે અમને 2012માં શરૂ થયેલા IT પ્રોજેક્ટને આગળ વધારવા કહ્યું છે. તેમના મતે, પોસ્ટલ અને વિવિધ સરકારી સેવાઓ ટૂંક સમયમાં લોકોના ઘરઆંગણે પહોંચાડવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે હવે લોકોને પોસ્ટ ઓફિસમાં આવવાની જરૂર નહીં પડે. ટેક્નોલોજીની મદદથી તેમના ઘરઆંગણે સેવાઓ પહોંચાડવામાં આવશે.
રોગચાળા દરમિયાન 20,000 કરોડથી વધુની ડિલિવરી
આ સિવાય શર્માએ કહ્યું કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન આગળનો માર્ગ હશે. તેમણે કહ્યું કે સરકાર આઈટીનો ઉપયોગ કરીને નાગરિકોને સેવા આપવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને તેના પર કામ કરી રહી છે. શર્માના જણાવ્યા અનુસાર, ઈન્ડિયા પોસ્ટે રોગચાળા દરમિયાન 20,000 કરોડ રૂપિયાથી વધુ ઘર સુધી પહોંચાડ્યા છે.
10,000 પોસ્ટ ઓફિસો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે
તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે સરકાર અમને અમારી પહોંચ વિસ્તારવા અને વધુ પોસ્ટ ઓફિસો ખોલવા માટે કહી રહી છે. તેમણે કહ્યું કે અમને હવે 10,000 વધુ પોસ્ટ ઓફિસ ખોલવાની મંજૂરી મળી ગઈ છે. સરકાર ઇચ્છે છે કે લોકોને તેમના ઘરથી 5 કિમીની ત્રિજ્યામાં બેંકિંગ અને નાણાકીય સેવાઓ પૂરી પાડવામાં આવે. તેમણે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 10,000 નવી પોસ્ટ ઓફિસો ખોલવામાં આવશે, જે ભારતમાં પોસ્ટ ઓફિસની કુલ સંખ્યા લગભગ 1.7 લાખ સુધી લઈ જશે.