સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં ઉત્તર ગુજરાત વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ કરી છે. સરકાર ખેડૂતોના ખેતરોમાં સર્વે કરી વળતર આપે તે પ્રકારની માંગણી પણ તેમના દ્વારા કરવામાં આવી છે. સતત વરસાદ વરસતા મોટા પાકનો નાશ થયો છે તેવું તેમણે પત્રની અંદર જણાવ્યું છે.સરકાર નુકસાનીનો આ કારણે સર્વે કરી લીલો દુષ્કાળ જાહેર કરે તેવી તેમણે પત્રની અંદર માંગ કરી છે.
સર્વે કરી ભારત સરકાર સહાય ચૂકવે તેવી પણ તેમણે માંગ કરી છે. સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, 100% વરસાદ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સતત ત્રણ માસ જેટલો સમય વરસાદ થવાથી ખેડૂતો ખરીફ પાક જેવા કે, કઠોળ, બાજરી, કે અન્ય પાકો સતત વરસાદ વરસવાથી વાવેતર કરી શકેલ નથી અને જે પાકો જેવા કે કપાસ, અને મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું હતું. તે પણ ભારે વરસાદ થવાથી પાકો બળી ગયો છે.
આમ વિવિધ મામલે પત્રની અંદર જણાવી ચંદનજી ઠાકોરે વરસાદના કારણે જે ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે તેમને વળતર આપવા માટે કહ્યું છે.ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં ભારે વરસાદમાં પાક નિષ્ફળ થયો છે. અગાઉ 8 જિલ્લાને સહાય સરકારે હજુ સુધી નથી આપી. ત્યારે ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ખેડૂતો પણ લાખોના નુકશાન સામે ચિંતિત છે. અગાઉ દક્ષિણ ગુજરાત, ભરુચ, સૌરાષ્ટ્ર સહીતના જિલ્લામાં ખેતી સર્વેની કામગિરી પૂર્ણ કરાઈ રીપોર્ટ પણ સરકારને સોંપાઈ ચૂક્યો છે. ત્યારે આ જિલ્લાઓમાં પણ ખેતીના નુકશાનની સ્થિતિને જોતા સર્વે કરવો જરૂરી છે કેમ કે, થોડા દિવસ પછીય પાણી ખેતરોમાં ઓસરે તેમ નથી. ખાસ કરીને થરાદ, ડીસા, કાંકરેજ સહીતના વિસ્તારોમાં પાકને નુકશાન પહોંચ્યું હતું. આ ઉપરાંત હારીજ, પાટણ પંથકના કેટલાક વિસ્તારોમાં પણ અષાઢી બીજ બાજ સતત વરસાદનું જોર વધતા મગફળી, બાજરી, જુવાર સહીતના પાકો નિષ્ફળ ગયા છે.