તાલિબાને મહિલાઓ માટે વધુ એક ફરમાન બહાર પાડ્યું છે. આ અંતર્ગત કઝાકિસ્તાન અને કતાર સિવાય અન્ય દેશોમાં ઉચ્ચ અભ્યાસ માટે ગર્લ સ્ટુડન્ટ્સને દેશ છોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, મોટી સંખ્યામાં પુરૂષ અને મહિલા વિદ્યાર્થીઓ કાબુલ છોડવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ તાલિબાને માત્ર પુરૂષ વિદ્યાર્થીઓને જ અફઘાનિસ્તાન છોડવાની મંજૂરી આપી હતી. તાજેતરના દિવસોમાં, તાલિબાને મહિલાઓને લઈને ઘણા કડક કાયદા લાગુ કર્યા છે.
યુએસ સૈનિકોની પાછી પાની અને યુએસ સમર્થિત સરકારના પતન પછી, સપ્ટેમ્બર 2021 માં તાલિબાનની આગેવાની હેઠળ વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી. સત્તામાં આવ્યા બાદથી, તાલિબાને અફઘાન મહિલાઓને તેમના ઘરની બહાર કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. છોકરીઓને છઠ્ઠા ધોરણ પછી શિક્ષણ મેળવવા પર પણ રોક લગાવવામાં આવી હતી. આ ઉપરાંત, તાલિબાને તમામ મહિલાઓને જાહેરમાં તેમના ચહેરા ઢાંકવાનો આદેશ આપ્યો હતો. ત્યાં મહિલાઓને મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની અને પુરુષો સાથે પાર્કમાં જવાની પણ મંજૂરી નથી.
સત્તામાં આવ્યાના થોડા મહિના પછી જ તાલિબાને આદેશ આપ્યો કે મહિલાઓ એકલી મુસાફરી પણ કરી શકે નહીં. તેમની સાથે પરિવારનો કોઈ પુરુષ હોવો જરૂરી છે. મહિલાઓને કામ કરવાની મનાઈ છે. મહિલાઓ સ્માર્ટફોનનો ઉપયોગ પણ કરી શકતી નથી. હાલમાં જ જ્યારે મહિલાઓ પોતાના અધિકાર માટે પ્રદર્શન કરી રહી હતી ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મહિલાઓને સમાન અધિકાર આપવા માટે તાલિબાન પાસે સતત માંગ કરી રહી છે. તમને જણાવી દઈએ કે તાલિબાને સત્તામાં પાછા ફર્યા બાદ બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં સમાવેશી સમાજ અને સમાનતાનું વચન આપ્યું હતું. જો કે, હાલમાં એવું કંઈ જ થતું નથી.