ભારતીય ટીમ આ વખતે એશિયા કપ જીતવાની પ્રબળ દાવેદાર દેખાઈ રહી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચમાં આજે એટલે કે રવિવારે પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ પહેલા હંમેશની જેમ મેદાનની બહાર વાતાવરણ ખૂબ જ ગરમ છે. જો કે બંને ટીમના ખેલાડીઓ એકદમ શાંત છે અને તેઓ એકબીજા સાથે સારો સમય વિતાવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પણ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ સાથે મજાક કરતો જોવા મળ્યો હતો.
ભારતીય સુકાની રોહિત શર્મા અને પાકિસ્તાનના સુકાની બાબર આઝમ રવિવારથી અહીં શરૂ થનારી એશિયા કપ 2022ની મેગા મેચ પહેલા શનિવારે ખુલ્લેઆમ ચેટ કરતા જોવા મળ્યા હતા. બંને ટીમના ટ્રેનિંગ સેશન દરમિયાન બંને દિગ્ગજ બેટ્સમેનોને ચિટ-ચેટ કરવાનો મોકો મળ્યો હતો. બાબર અને રોહિત વચ્ચેની વાતચીતનો વીડિયો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. ભારતીય કેપ્ટન બાબર આઝમને કહેતા સાંભળી શકાય છે કે તેણે લગ્ન કરી લેવા જોઈએ.
રોહિત શર્માએ બાબર આઝમને કહ્યું, ‘ભાઈ, લગ્ન કરી લો.’ રોહિતની આ વાત પર બાબર હસવા લાગ્યો અને તેણે જવાબ આપ્યો કે ‘હવે નહીં’. બંને ટીમના કેપ્ટનો વચ્ચે ખૂબ જ મસ્તી જોવા મળી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
બંને ટીમો વચ્ચે રવિવારે રમાનારી મેચ ગયા વર્ષના T20 વર્લ્ડ કપ બાદ તેમની પ્રથમ મુલાકાત હશે. ગયા વર્ષે આ જ સ્થળે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બાબર આઝમની આગેવાની હેઠળની ટીમે 10 વિકેટે મેચ જીતી હતી. પાકિસ્તાન માટે આ એક મોટી સિદ્ધિ હતી કારણ કે તેણે વર્લ્ડ કપ મેચમાં મેન ઇન બ્લુ સામે તેમની પ્રથમ જીતનો દાવો કર્યો હતો.