સુરત રેલવે પોલીસના ચોપડે છેલ્લા એક મહિનાથી દારૂના કેસમાં ભાગતા ફરતા કુખ્યાત બુટલેગર વલ્લીઉલ્લાની પોલીસે ધરપકડ કરી છે.ગત મહિનાની છ તારીખે ગાંધીનગર વિઝીલન્સની ટીમે સુરત રેલવે પાર્શલ ઓફિસ નજીક રેડ કરી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો અને રોકડા રૂપિયા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. જ્યારે દારૂનો મોટો વેપાર કરતો વલ્લીઉલ્લા ફરાર થઈ ગયો હતો. જો કે એક મહિનાથી ભાગતાં – ફરતા વલ્લીઉલ્લાની આજ રોજ રેલવે એલસીબીએ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તે દરમ્યાન ગત રોજ રેલવેની હદમાં જે ખૂની ખેલ ખેલાયો હતો,તે પણ વલ્લીઉલ્લા માં અડ્ડા પર જ બનાવ બન્યો હતો. પરંતુ રેલવે પોલીસ દ્વારા વલ્લીઉલ્લાને આ કેસથી બહાર કાઢી નાખ્યો હોવાની ચર્ચા પણ હાલ ઉઠી છે.
સુરત રેલવેની હદમાં દારૂ,જુગાર અને ગાંજા જેવી પ્રવૃત્તિઓ ધમધમી રહી છે,તે હવે કોઈ છુપી બાબત નથી. ગાંધીનગર વિજિલન્સની ટિમ દ્વારા ગત તારીખ 6 ના રોજ રેલવેના પાર્ષલ ઓફિસ નજીક ચાલતા બુટલેગર વલ્લીઉલ્લાના દારુના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી. જ્યાં વલ્લીઉલ્લા તો ભાગી છુટ્યો હતો,પરંતુ ત્રણ ઈસમો દારૂના મોટા જથ્થા સહિત રોકડા રૂપિયા સાથે ઝડપાઇ ગયા હતા. વિજિલન્સ દ્વારા બુટલેગર વલ્લીઉલ્લાને વોન્ટેડ જાહેર કરી તપાસ રેલવે પોલીસને સોંપવામાં આવી હતી. આ દરમ્યાન આજ રોજ રેલવે એલસીબીએ વલ્લીઉલ્લાની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી હતી.
બે દિવસ અગાઉ સુરત રેલવે પાર્ષલ ઓફિસ નજીક દારુમાં અડ્ડા પર બુટલેગરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા કાલુ નામના શખ્સનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ સંદર્ભે પોલીસે સલીમ અને તેના શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પરંતુ આ કેસમાં રેલવે પોલીસે ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. કારણ કે હત્યાની જ્યાં ઘટના બની,તે સ્થળે જ બુટલેગર વલ્લીઉલ્લાના દારૂનો અડ્ડો હતો. જો કે વલ્લીઉલ્લાને આ કેસમાંથી બહાર કાઢવામાં આવ્યો હોવાની ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે. જ્યારે રેલવે પોલીસ પોતાની ચામડી બચાવવા પ્રોબિશનના ગુનામાં ભાગેડુ એવા વલ્લીઉલ્લાની ધરપકડ કરી વાહવાહ લૂંટી રહી છે.

બીજી તરફ વલ્લીઉલ્લાની પોલીસ દ્વારા ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જ્યાં પોલીસ સ્ટેશનમાં ઉભેલ વલ્લીઉલ્લા જાણે કોઈ પ્રસંગ અથવા ઠાઠ બતાવવા આવ્યો હોય તેમ હાથમાં ઘડિયાળ અને ગળામાં ચેન પહેરી જોવા મળ્યો હતો. રેલવે પોલીસ જાણે કોઈ આરોપીને નહીં પણ કોઈ વીઆઇપી વ્યક્તિને મહેમાનગતિ પુરી પાડતી હોવાની ચર્ચાઓ ઊઠી હતી. હાલ તો વલ્લીઊલા એક દિવસના પોલીસ રિમાન્ડ પર છે,ત્યારે હત્યાના કેસમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ વલ્લીઊલા સામે પણ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું.