આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ મીડિયા સમક્ષ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, આજે ગુજરાતની રાજનીતિમાં ખૂબ જ સકારાત્મક બદલાવ આવી રહ્યા છે અને આ બદલાવ માટે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીને મળતું જન સમર્થન જવાબદાર છે. એના કારણે આજે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને રોકવાના ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે. મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને મારા પર જ ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી. ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પર પણ એફઆઇઆર નોંધવામાં આવી છે. અને આ પહેલા પણ અવારનવાર આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તા ઉપર હુમલાઓ થયા છે. આમ આદમી પાર્ટીના પોસ્ટર બેનર ફાડી નાખવામાં આવ્યા હોય એવી પણ અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે અને આ બધી વસ્તુ સાબિત કરે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સૌથી મજબૂત પાર્ટી બનીને ઉભરી છે.
અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના લોકોને જે ગેરંટીઓ આપી છે એ ગેરંટીઓને ગુજરાતની જનતાએ વધાવી લીધી છે અને આ બધી બાબતોથી ભાજપની ઊંઘ હરામ થઈ રહી છે. અરવિંદ કેજરીવાલજીએ દરેક સમાજ, જાતિ, ધર્મના લોકો ને ધ્યાનમાં રાખીને ગેરંટીઓ ની ઘોષણા કરી છે. આદિવાસી સમાજ માટે પણ અરવિંદ કેજરીવાલજીએ ખાસ મહત્વપૂર્ણ ઘોષણાઓ કરી છે અને એ જ કારણે છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજના પ્રભુત્વ વાળા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનું સ્તર વધી રહ્યું છે. આજે આખા ગુજરાતની સાથે સાથે આદિવાસી સમાજના લોકોને એ પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો છે કે ગુજરાતમાં ફક્ત આમ આદમી પાર્ટી જેવી પાર્ટી છે જે આદિવાસી સમાજના ભલા માટે સાચા દિલથી કંઈ કામ કરવા માંગે છે. અને એટલા માટે જ છેલ્લા ઘણા સમયથી ઘણા બધા આદિવાસી સમાજના નેતાઓ તથા સામાજિક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આ મહાનુભાવોની યાદીમાં વધુ એક સાથી આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વડોદરાના ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને ભૂતપૂર્વ વડોદરા જિલ્લા આદિજાતિ મોરચા પ્રમુખ અશોકભાઈ ગોવિંદભાઈ વસાવા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અશોકભાઈએ હંમેશા આદિવાસીઓના અધિકાર અને વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના સેવક તરીકે શિનોર ખાતે ગરીબ આદિવાસીઓના 70 જેટલા કુટુંબોને લાઈટ કનેક્શન અપાવ્યા છે. ઘર વગરના લોકોને ઘરથાળના ફોર્મ ભરી આવાસ અપાવ્યા છે. વિધવા બહેનોના ઘરે જઈને ઘણી વિધવા બહેનોને વિધવા સહાય અપાવી છે. વડોદરા વિસ્તારના ગામોમાં કેમ્પનું આયોજન કરી સરકારની યોજનાની માહિતી આપી ઘરે ઘરે જઈ ગરીબ લોકોને માં કાર્ડ, અમૃતમ કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, શ્રમયોગી કાર્ડ કાઢી અપાવી દરેક યોજનાનો લાભ અપાવેલો છે.
અશોકભાઈએ સમાજસેવામાં મહત્વનો ભાગ ભજવતા શિનોરમાં ગરીબ બહેનોને 75 જેટલા સિલાઈ મશીન અપાવ્યા છે. જિલ્લા પંચાયત સદસ્ય બન્યા પછી તેમને મળતી ગ્રાન્ટમાંથી તેમણે પોતાના મત વિસ્તારમાં આર.સી.સી. રોડ, પેવર બ્લોક, કુટીર, સંરક્ષણ દિવાલ, મેટલ કામ, નાળાનું કામ, એલ.ઇ.ડી લાઈટ, સોલર લાઈટનું કામ, હેડ પંપનું કામ, બેસવાના બાંકડા, ગરનાળાનું કામ, પાઇપલાઇનનું કામ આમ ઘણા બધા કામોને તેમણે તેમના મત વિસ્તારમાં જનતા માટે કર્યા છે. તે સિવાય પણ તેમણે આદિવાસી સંમેલન જેવા ઘણા કાર્યક્રમોને સાકાર કર્યા છે. અમને અત્યંત ખુશી છે કે આવા સમાજસેવી આદિવાસી સમાજના આગેવાન આગળ જનતાને સેવા આપવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના વડોદરાના ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને ભૂતપૂર્વ વડોદરા જિલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખ અશોકભાઈ ગોવિંદભાઈ વસાવા આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.
અશોકભાઈ વસાવા જણાવ્યું કે આજે ગુજરાતમાં બદલાવની જરૂર છે અને એ બદલાવ માટે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે. અરવિંદ કેજરીવાલજીએ આજે ગુજરાતને જ નહીં પણ આખા દેશને એક ઉમ્મીદ આપી છે કે જો સકારાત્મક રાજનીતિ કરવામાં આવે તો દેશમાં બદલાવ શક્ય છે. અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે જે કામો કર્યા છે તેનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું અને ગુજરાતની જનતાની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. આઝાદીના 75 વર્ષ પછી પણ આદિવાસી સમાજ માટે કોઈપણ રાજનૈતિક પાર્ટીઓએ કામ નથી કર્યા અને એટલા માટે જ આજે પણ આદિવાસી સમાજ પછાત રહી ગયો છે. પણ છેલ્લા ઘણા સમયથી અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં આવી રહ્યા છે અને ગુજરાતમાં બદલાવ લાવવા માટે પોતાના વિઝનને રજુ કરી રહ્યા છે. આ દરમિયાન અમે એ પણ જોયું કે તેઓએ આદિવાસી સમાજની ભલાઈ માટે પણ ખાસ વિઝન રજૂ કર્યા અને તેના પરથી મને વિશ્વાસ આવ્યો કે અરવિંદ કેજરીવાલજીનો સાથ મળશે તો હું આમ આદમી પાર્ટીમાં રહીને આદિવાસી સમાજની વધુમાં વધુ સેવા કરી શકીશ.
આજે આદિવાસી સમાજ માટે શિક્ષણ, આરોગ્ય વ્યવસ્થા અને રોજગાર ખૂબ જ મોટો પ્રશ્ન છે અને આ બધા પ્રશ્નોને હલ કરવા માટે અરવિંદ કેજરીવાલજીએ જે જે ગેરંટી આપી છે તેના પર મને વિશ્વાસ છે. કારણ કે અરવિંદ કેજરીવાલજીએ દિલ્હી અને પંજાબમાં જે જે વાયદા કર્યા હતા એ મોટાભાગે પૂરા કરી બતાવ્યા છે. મને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ આદિવાસી વિસ્તારોમાં પણ શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ સુધરશે અને યુવાનોને ઝડપથી રોજગાર મળવાનું શરૂ થશે. હું ગુજરાતના લોકોને કહેવા માગું છું કે આ ચૂંટણીમાં એક વખત અરવિંદ કેજરીવાલજીને મોકો આપીને જુઓ અને આમ આદમી પાર્ટીની સરકાર બને એ માટે સહયોગ આપો તો ચોક્કસ ગુજરાતમાં ઐતિહાસિક બદલાવો આવશે.
ત્યારબાદ મનોજ સોરઠીયાએ આગળ કહ્યું કે, ભાજપના લોકો પોતાની સભામાં એક એક વ્યક્તિને 500-500 રૂપિયા આપીને ભીડ ભેગી કરે છે. આમ આદમી પાર્ટીને ભાડાના ટટ્ટુઓ કહેવાવાળા સી.આર.પાટીલને હું કહેવા માગું છું કે જે તમે ગુજરાતની જનતાને છેતરવાનું કામ કરો છો, ગુજરાતની જનતાને લૂંટવાનું કામ કરો છો, આમ જનતાના પૈસા લૂંટીને ભ્રષ્ટાચાર કરીને તમે પોતાના ઘર ભરો છો અને પોતાની સભામાં ભીડ ભેગી કરો છો તેને રેવડી કહેવાય. જનતાને રાહત આપવા માટે આમ આદમી પાર્ટી જે વાયદાઓ કરી રહી છે તે રેવડી નથી તે ગુજરાતની જનતાના અધિકારો છે. ભાડાના ટટ્ટુઓ ભેગા કરવાનું કામ ભાજપ વાળા કરે છે અને અમને ભરોસો છે કે આગામી દિવસોમાં ગુજરાતની જનતા ભાજપને જરૂર જવાબ આપશે. સી.આર.પાટીલને આમ આદમી પાર્ટીનો નહીં ગુજરાતની જનતાનો ડર છે.